
મેટ્રિમોનિઅલ સાઈટ દ્વારા પરિચય કેળવી લગ્નની લાલચે ૧૨થી વધુ યુવતીઓને ફસાવી તેમની સાથે બળાત્કાર કરવાના આરોપસર મુંબઈ નજીકના વસઈ વિસ્તારની વાલીવ પોલીસે અમદાવાદના હિમાંશુ પંચાલ નામના યુવકની ધરપકડ કરી છે. હિમાંશુ પોતે ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપી આ યુવક યુવતીઓને ફસાવતો હતો. તે યુવતીઓ સાથે આર્થિક છેતરપિંડી પણ કરતો હતો. આ યુવક દ્વારા છેતરપિંડી તથા બળાત્કારનો ભોગ બનેલી યુવતીઓની સંખ્યા હજુ પણ વધારે હોઈ શકે છે તેવી આશંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ૨૬ વર્ષના હિમાંશુ યોગેશભાઈ પંચાલે એક મેટ્રિમોનિઅલ સાઈટ પર પોતાની ફેક પ્રોફાઈલ બનાવી હતી. તેમાં તેણ પોતે ે ક્રાઈમ બ્રાન્ચના સાયબર વિભાગના અધિકારી હોવાનો ડોળ કર્યો હતો. તેણે તેમાં લખ્યું હતું કે, ખાનદાની શ્રીમંત હોવાની સાથે મોટો પગાર, તથા અનેક મિલ્કતો પણ ધરાવે છે. પોલીસના ચોપડે તેનું સરનામું જનકપુર, આરટીઓ સામે, અમદાવાદ એવું દર્શાવાયું છે.

આ પ્રોફાઈલ દ્વારા તે અનેક યુવતીઓનો સંપર્ક કરતો હતો. તે યુવતીઓને ફોસલાવી ભોળવીને વસઈ, મુંબઈ વિસ્તારની લોજમાં તેમને મળવા બોલાવતો હતો. ત્યાં હિમાંશુ યુવતીઓને પ્રભાવિત કરીને લગ્નની લાલચ આપતો હતો. તે છોકરીઓને નકલી હીરાના દાગીના ગિફ્ટ કરતો હતો. તે યુવતીઓને પ્રથમ મુલાકાતમાં જ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. એ બાદમાં તે યુવતીઓ પાસેથી અલગ-અલગ કારણો આપી પૈસા પડાવતો હતો.યુવતીઓ સાથે સંબંધ બાંધીને તે ફરાર થઈ જતો હતો.
મીરા રોડની યુવતીએ પર્દાફાશ કર્યો
મીરા રોડમાં રહેતી ૩૧ વર્ષીય ગુજરાતી યુવતીએ છઠ્ઠી ફેબુ્રઆરીએ વાલીવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યા અનુસાર એક મેટ્રિમોનિઅલ સાઈટ પર તેનો હિમાશુ સાથે પરિચય થયો હતો. હિમાંશુએ બાદમાં તેને વસઈની એક હોટલમાં બોલાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. હિમાંશુએ ે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ૨૧ થી ૨૩ જાન્યુઆરીના રોજ તેણે તેને અમદાવાદ બોલાવી હતી અને તેની સાથે ત્યાંની હોટલમાં શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. હિમાંશુએ તેની પાસેથી આઈફોન ૧૬ તથા કેટલીક રોકડ રકમ પણ પડાવી હતી. પોતાને હાલ જરુર હોવાનું કહી સોનાનાં દાગીના પણ તેની પાસેથી મેળવીલીધાં હતાં. જોકે, અમદાવાદથી પાછા ફર્યા આ યુવતીએ હિમાંશુનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો ફોન સતત બંધ આવતો હતો. બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તે પોલીસ મથકે પહોંચી હતી.

ટેકનિકલ તપાસ બાદ ધરપકડ
વાલીવ પોલીસ મથકના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન સાનપે જણાવ્યું હતું કે, આરોપી હિમાંશુ પાંચાલ બોલવામાં માહેર હતો. તે સારું અંગ્રેજી બોલીને છોકરીઓને ઈમ્પ્રેસ કરતો હતો. યુવતીઓને ઈમ્પ્રેસકરવા એક જ સમયે પાંચ પાંચ આઈફોન અને લેપટોપ વાપરતો હતો. તે ફક્ત હોટલના વાઈફાઈ દ્વારા જ વોટ્સએપ કોલ પર યુવતીઓ સાથે વાત કરતો હતો. એથી અમે ટકનિકલ એનાલિસિસ કરીને તેની અમદાવાદથી ધરપકડ કરી હતી. તેણે છેલ્લા દોઢ વર્ષમાં ૧૨થી વધુ છોકરીઓ સાથે આ રીતે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે. જોકે, લગ્ન વયે પહોંચેલી યુવતીઓ સામાજિક બદનામીના કારણે ફરિયાદ નોંધાવવા આગળ આવતી નથી. હિમાંશુએ વધુ કેટલીક યુવતીઓેને ગુજરાતમાં પણ ફસાવી હોવાની પોલીસને શંકા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
