
થાણે જિલ્લાના કલવા, ડાયઘર અને મુંબ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ત્રણ ગુના પોલીસે ઉકેલી કાઢ્યા હતા અને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. કલવા પોલીસ સ્ટેશનની હદમાં વિટાવા બસ સ્ટોપ નજીક 7 માર્ચે અનિલ બેહરા નામના શખસનો મૃતદેહ મળી આવ્યો હતો. માથામાં પથ્થર ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે ગુનો નોંધાયા બાદ પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા.
બાદમાં મળેલી માહિતીને આધારે ગુનામાં સંડોવાયેલા આરોપી સંતોષ મહાદેવ લાડને ઝડપી પાડ્યો હતો. સંતોષ લાડ અને મૃતક અનિલ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી સંતોષે માથામાં પથ્થર ઝીંકી અનિલની હત્યા કરી હતી.
બીજી તરફ શિળફાટા વિસ્તારમાં રહેતા ઝાકીર મોલ્લાની 11 માર્ચે ગળું ચીરીને હત્યા કરાઇ હતી. ડાયઘર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ત્રણ ટીમ તૈયાર કરી હતી. આ ટીમે તપાસ આદરીને આરોપી અશ્રફુલ મોલ્લાને કલ્યાણ સ્ટેશન પરથી તાબામાં લીધો હતો.

પશ્ચિમ બંગાળના વતની અશ્રફુલ મોલ્લા, ઝાકીર મોલ્લા અને પ્રિયા મંડલ થાણેમાં મજૂરી કરતાં હતાં. અશ્રફુલ અને પ્રિયા વચ્ચે પ્રેમસંબંધ હતો અને અશ્રફુલને શંકા હતી કે પ્રિયા અને ઝાકીર વચ્ચે અનૈતિક સંબંધ છે. આથી તેણે ઝાકીરને ઘરે બોલાવ્યો હતો અને દારૂ પીધા બાદ તેનું ગળું ચીરી નાખ્યું હતું.
દરમિયાન મુંબ્રામાં મોહંમદ રાઇન પર ચાકુથી હુમલો કરવામાં આવતાં તેને કલવા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને બાદમાં સાયન હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મોહંમદના ભાઇની ફરિયાદને આધારે મુંબ્રા પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને આરોપી સાદિક શેખને મુંબ્રા બાયપાસ ખાતેથી પકડી પાડ્યો હતો. સાદિકે 10 માર્ચે મૃતક તથા તેના પડોશીઓના ઘરમાંથી ચારથી પાંચ મોબાઇલ ચોર્યા હતા, જેની જાણ મૃતકને થઇ હતી. આ બાબતને લઇ બંને વચ્ચે ઝઘડો થતાં સાદિકે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
