
હજારો રોકાણકારોને મુશ્કેલીમાં મૂકી દેનારા રૂ. 122 કરોડના ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક ગોટાળામાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) દ્વારા કાર્યવાહીને ફરીથી આક્રમક બનાવવામાં આવી રહી છે. આના ભાગરૂપે બેન્કના ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુના ઘરની તલાશી લેવામાં આવી હતી. આ તલાશી દરમિયાન અનેક દસ્તાવેજો હસ્તગત કરાયા છે, જેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
દક્ષિણ મુંબઈના ભદ્ર વિસ્તાર મલબાર હિલ ખાતે ઘરની પોલીસે તલાશી લીધી હતી. આ ભાડાના ઘરમાં હિરેન ભાનુ અને તેની પત્ની ગૌરી રહેતાં હતાં. ગૌરી અગાઉ બેન્કના વાઈસ ચેરમેન હતી, એમ તેમણે જણાવ્યું હતું.
આ દંપતીનો દક્ષિણ મુંબઈમાં જ નેપિયન સી રોડ ખાતે પણ ફ્લેટ છે, જે તેમણે ભાડા પર આપ્યો છે. રૂ. 122 કરોડની ઉચાપતના કેસમાં આ બંને પણ આરોપીઓ છે. પોલીસ દંપતીની મિલકતોની ઓળખ કરી રહી છે અને ઉચાપત કરેલી રકમમાંથી કોઈ મિલકતો ખરીદી કરી શકે કે કેમ તે જાણવા માગે છે. આથી જ આ તલાશી લેવામાં આવી હતી, જેમાંથી મળેલા અનેક દસ્તાવેજોની હવે તપાસ ચાલી રહી છે.

બીજી બાજુ પોલીસ બેન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને અકાઉન્ટ્સના હેડ હિતેશ પ્રવીણચંદ્ર મહેતા પર લાઈ ડિટેક્ટર ટેસ્ટ હાથ ધરશે. આ માટે 11મી માર્ચ નક્કી કરવામાં આવી છે. મહેતા તપાસમાં સહયોગ આપતો નથી અને અમુક મહત્ત્વપૂર્ણ વાસ્તવિકતાઓ છુપાવી રહ્યો છે, જેને કારણે તે લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે સંમતિ આપતો નથી. આમ છતાં કોર્ટે મહેતા પર ફોરેન્સિક સાઈકોલોજિકલ ટેસ્ટ કરવા માટે પરવાનગી આપી દીધી છે. આથી અમે આ ટેસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છીએ, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આરબીઆઈની ટીમે નિરીક્ષણ કેમ નહીં કર્યું?
પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નિરીક્ષણ ટીમ ફેબ્રુઆરી 2025માં બેન્કમાં શા માટે આવી હતી. બેન્કની બેલેન્સશીટ અનુસાર 31 માર્ચ, 2019ના રોજ તેની પાસે રૂ. 33.71 કરોડની રોકડ હતી, જે 31 માર્ચ, 2020ના રોજ રૂ. 99 કરોડે પહોંચી હતી. આ લગભગ ત્રણગણો ઉછાળો છે. 31 માર્ચ, 2021ના રોજ આ આંકડો રૂ. 194 કરોડ પર પહોંચ્યો અને રૂ. 2022માં રૂ. 105 કરોડ થઈ ગયો હતો. વર્તમાન નાણાકીય વર્ષમાં અમુક તબક્કે આ રકમ રૂ. 152 કરોડ સુધી વધી હતી. આરબીઆઈની ટીમ દ્વારા ગયા મહિને જ કેમ નિરીક્ષણ કરવામાં આવ્યું અને ગત અમુક વર્ષોમાં નિરીક્ષણ કેમ કર્યું નહીં તે પણ પોલીસ જાણવા માગે છે. હમણાં સુધી પોલીસે મહેતા સહિત ચાર જણની ધરપકડ કરી છે, જેમાં એક બિલ્ડર, સોલારના વેપારીનો પુત્રનો પણ સમાવેશ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
