રિક્ષા તથા ટેક્સી ચાલકો માટે ફરજિયાત મરાઠી મુદ્દે સરકારે પોતાનું વલણ નરમ બનાવી હવે ડ્રાઈવરોની કોઈ પરીક્ષા નહિ લેવાય કે મરાઠી નહીં જાણતા હોવાને કારણોસર કોઈનું લાયસન્સ પણ રદ નહીં થાય તેવી સંમતિ આપી છે. જોકે, સરકાર ફરજિયાત મરાઠીના અમલ માટેની સમયમર્યાદા લંબાવવા બાબતે આવતીકાલે કોઈ જાહેરાત કરશે.
રિક્ષા તથા ટેક્સી ચાલકો માટે પહેલી મેથી મરાઠી ફરજિયાત કરાશે, રસ્તાઓ પર જ આરટીઓ ઈન્સ્પેક્ટરો દ્વારા ચાલકોનાં મરાઠી જ્ઞાાનની પરીક્ષા લેવાશે જેમને મરાઠી નહીં આવડે તેમનાં લાયસન્સ રદ કરાશે તેવી ચિમકી અગાઉ પરિવહન પ્રધાન પ્રતાપરાવ સરનાઈકે આપી હતી. આ જાહેરાતના ભારે ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. વિવિધ વર્ગોમાંથી વિરોધનો સૂર ઉઠયો હતો તો બીજી તરફ રિક્ષા તથા ટેક્સી ચાલક યુનિયનોએ પણ તા. ચોથીમેએ આંદોલનની ચિમકી આપી હતી. ખુદ સરનાઈકના જ પક્ષ શિવસેનાના કેટલાક નેતાઓ ઉપરાંત એનડીએના સાથી પક્ષોએ પણ ફરજિયાત મરાઠીના નામે કોઈની રોજગારી છિનવાવી ન જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો.

રિક્ષા-ટેક્સી ચાલકોનાં સંગઠનો, પરિવહન અધિકારીઓ તથા પરિવહન મંત્રીની એક બેઠક યોજાઈ હતી. તેમાં યુનિયનોએ આ નિર્ણય છ મહિના સુધી સ્થગિત રાખવા માગણી કરી હતી. તે બાબતે સરનાઈકે જણાવ્યું હતું કે તમામ કમર્શિયલ પેસેન્જર વાહનોના ચાલકો માટે મરાઠી ભાષાની જાણકારી ફરજિયાત જ છે પરંતુ તેના અમલની મહેતલ લંબાવવા મુદ્દે પરિવહન વિભાગ આજે કોઈ નિર્ણય જાહેર કરશે.
જોકે, તેમણે કહ્યું હતું કે રિક્ષાચાલકોની કોઈ પરીક્ષા લેવાશે નહીં કે આ મુદ્દે કોઈના લાયસન્સ પણ રદ નહીં થાય. આ બેઠકમાં ઉપસ્થિત યુનિયનના નેતા શશાંક રાવે જણાવ્યું હતું કે સરકારે સકારાત્મક વલણ દાખવ્યું છે અને ફરજિયાત મરાઠી મુદ્દે કોઈ ઉગ્ર કાર્યવાહી નહીં કરાય તેવી ખાતરી આપી છે. સરકારે વિવિધ મરાઠી ભાષા સંગઠનોને ડ્રાઈવરોને મરાઠી શીખવવા જણાવ્યું છે અને યુનિયને પણ આ બાબતે સહકારની ખાતરી આપી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
