
રવિવારે ટાટા મુંબઈ મેરેથોનમાં વિવિધ શ્રેણીઓમાં 65,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મહિલાઓમાં ફરી એક વાર ગુજરાતીનો ડંકો વાગ્યો છે. આ મેરેથોન વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રોડ રેસ છે અને આ વખતે તેની 20મી આવૃત્તિ હતી, જેમાં કુલ 3,89,524 ઈનામી રકમ રાખવામાં આવી હતી.
મેરેથોન માહિમ ચર્ચ, વરલી બાંદરા સીલિંક, ક્વીન્સ નેકલેસ અને અન્ય ઐતિહાસિક સ્થળો થકી પસાર થાય છે. તેમાં એમેચર્સ રન, હાફ મેરેથોન, પોલીસ કપ, 10કે રન, મેરેથોન એલિટ રેસ, ચેમ્પિયન્સ વિથ ડિઝેબિલિટી રન, સિનિયર સિટીઝન્સ રન, ડ્રીમ રન પણ હતી. ભારતીય કોર્પોરેટ્સ, બોલીવૂડ, રાજકીય નેતાઓ, ટોચના વેપારી આગેવાનોએ પણ ભાગ લીધો હતો.
આ મેરેથોનમાં અગાઉ સ્થાપિત વિક્રમ તોડવામાં આવે તો તેને બોનસ ઈનામ મળવાનું પરંતુ મોટા ભાગના રનરોએ ગરમ હવામાનને કારણે વિક્રમ તોડવાનું ટાળીને રેસ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાવ્યું હતું. એલિટ મેન્સ રેસમાં એરિટ્રિયન બરહેન તેસ્ફે પ્રથમ આવ્યો હતો, જ્યારે આ જ દેશનો મેરહાવી કેસેટ દ્વિતીય અને ઈથિયોપિયન તેસ્ફાયી ડેમેક તૃતીય આવ્યો હતો.

વુમન્સ એલિટમાં કેનિયન રનર જોય ટેલી (29) પ્રથમ આવી હતી. તેણે 2.24.56 કલાકમાં રેસ પૂરી કરી હતી. અગાઉનો વિક્રમ તોડવા માટે તે લગભગ 4 મિનિટ પાછળ રહી હતી. ભારતીય એલિટ મેન્સનો ખિતાબ લશ્કરના અનીશ થાપાએ 2.17.23 સમય સાથે જીત્યો હતો, લશ્કરનો જ માન સિંહ તેનાથી 14 સેકંડ પાછળ રહીને દ્વિતીય અને અગાઉનો ચેમ્પિયન લશ્કરી અધિકારી ગોપી ટી બે મિનિટ પાછળ રહી ગયો હતો. મહારાષ્ટ્રના કાલીદાસ હિરાવે ચોથો, લશ્કરનો ગત વર્ષનો વિજેતા શ્રીનુ બુગાથા પાંચમો આવ્યો હતો. ખાસ વાત એ છે કે વિજેતા થાપા 2023માં 14મો હતો.
આ જ રીતે મહિલાઓમાં સુરતની ગુજરાતણ નિરમાબેન લાગલગાટ બીજા વર્ષે જીતી હતી. તેણે 2.50.06 સમય નોંધાવ્યો હતો, પરંતુ છેલ્લા 3 કિમીમાં જૂતાએ તકલીફ આપતાં ગત વર્ષ કરતાં રેસ પૂરી કરવા થોડો વધુ સમય લાગ્યો હતો. સોનિકા પરમાર તેનાથી 49 સેકંડ પાછળ રહીને દ્વિતીય આવી હતી. નિરમાબેને રૂ. 5 લાખની ઈનામી રકમ જીતી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
