
ભાંડુપના એક વ્યક્તિએ પોતાને નાર્કોટિક્સ અધિકારી તરીકે રજૂ કરીને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (ઈઈએચ) પર એક બાઈકર પાસેથી તમાકું ચાવવા અને રસ્તા પર થૂંકવા બદલ દંડ તરીકે રૂા. ૪૦ હજાર પડાવી લીધા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કર્યા બાદ આરોપીની ઓળખ ૨૮ વર્ષીય રવિ પાંડે તરીકે કરી હતી અને ગુરુવારે તેની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ થાણેમાં રહેતા અને મહાલક્ષ્મી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં કામ કરતાં વસંત મોહિતે ૨૫ ફેબ્રુઆરીના સાંજે ૬ કલાકે કામ પરથી મોટર સાયકલ પર ઘરે જવા નીકળ્યા હતા. દરમ્યાન મુલુન્ડ પૂર્વમાં હાઈવે પર પહોંચતા એરોલી ફ્લાયઓવર પર મોટર સાયકલ ઊભી રાખીને તમાકું ખાઈને બાજુમાં થૂંક્યો એટલી વારમાં તો એક કાળા રંગની બુલેટ પર એક વ્યક્તિ ત્યાં આવી જેણે તમે અહીંયા કેમ થૂંક્યા? તેના માટે કેટલો દંડ લાગશે એ તમને ખબર છે ? અને પોતાની ઓળખ તેણે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના પોલીસ અધિકારી તરીકે આપી.

ત્યારબાદ તેણે મોહિતેને નવઘર પોલીસ સ્ટેશન આવવું પડશે એવું જણાવ્યું, જેને પગલે તેને અસલી પોલીસ સમજેલા મોહિતેએ પોતાની મોટર સાયકલ ત્યાં જ લૉક કરી અને તેની સાથે બાઈક પર બેસીને નવઘર પોલીસ સ્ટેશન જવા નીકળ્યા પરંતુ નકલી પોલીસે તેને બોમ્બે સેન્ટ્રલની મેઈન ઓફિસમાં જવું પડશે એવું જણાવ્યું. મોહિતે પાસે હામી ભર્યા સિવાય છૂટકો નહોતો.
થોડે આગળ ગયા બાદ ગઠિયાએ કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનમાં લઈ જઉ છું એવું જણાવ્યું. આ દરમ્યાન મોહિતેએ તેની બાઈકનો નંબર નોંધી લીધો. જોકે ભાંડુપ પહોંચતા નકલી અધિકારીએ તેને રૂા.૬૮ હજાર દંડ તરીકે ભરવા પડશે એવું જણાવતાં મોહિતેએ રૂા.૪૦ હજાર એટીએમથી કઢાવીને તેને આપ્યા. ત્યારબાદ બનાવટી પોલીસ અધિકારીએ મોહિતેને તેની મોટર સાયકલ જ્યાં મૂકી હતી ત્યાં છોડ્યો અને ત્યાંથી નીકળી ગયો.

બીજા દિવસે મોહિતેએ આ ઘટના અંગે પત્નીને જણાવી અને બંનેને લાગ્યું કે મોહિતે સાથે ફસામણી થઈ છે, તેથી તેણે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આરોપીનું વર્ણન તથા તેની મોટર સાયકલનો નંબર આપ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને હવે તેના ભૂતકાળના ગુનાહિત રેકોર્ડની તપાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
