
બેન્કના પદાધિકારીઓ દ્વારા 122 કરોડ રૂપિયાના ગોટાળાને કારણે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર આરબીઆઈ દ્વારા નિયંત્રણો લદાતાં હજારો ડિપોઝિટરો મુશ્કેલીમાં આવ્યા છે તે સાથે અનેક હાઉસિંગ સોસાયટીઓ પણ મુશ્કેલીમાં આવી ગઈ છે. તેમને માટે નાણાકીય વ્યવહારોનું વ્યવસ્થાપન કરવાનું પડકારજનક બની ગયું છે.
રવિવારે મીરા રોડમાં ડિપોઝિટરો દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. બેન્ક પર નિયંત્રણો આવતાં કાંદિવલી ચારકોપની ભાવનીત સોસાયટીની હાલત સૌથી વધુ કફોડી બની છે. સોસાયટીનું ચોમાસા પૂર્વે માળખાકીય સમારકામ કરવાનું હોવાથી મેમ્બરો દ્વારા જમા કરાયેલા રૂ. 70 લાખ બેન્કમાં જમા કરાયા હતા.
હવે નિયંત્રણો આવતાં સોસાયટી ભીંસમાં આવી ગઈ છે. સમારકામ હાથ ધરવું કે નહીં અને ધરવું હોય તો નાણાં ક્યાંથી લાવવા તેવી અવઢવમાં સોસાયટી મુકાઈ ગઈ છે.કાંદિવલી જ અન્ય એક સોસાયટી જીવન ધારાના રૂ. 9 લાખ બેન્કમાં અટકી પડ્યા છે. આને કારણે બે છેડા ભેગા કરવાનું આ સોસાયટી માટે પડકારજનક બની ગયું છે.

સદનસીબે આ સોસાયટીએ થોડા મહિના પૂર્વે જ સમારકામો પૂરાં કરીને બેન્કમાંથી નાણાં ચૂકતે કરી દેતાં તે કમસેકમ આ જંજાળમાંથી બચી ગઈ છે. 24 ફેબ્રુઆરીના રોજ બેન્કની પ્રવાહિતાની સ્થિતિનું આકલન કર્યા પછી આરબીઆઈ દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જે મુજબ ખાતાધારકો ફક્ત રૂ. 25,000 કઢાવી શકે છે, જે રકમ મોટી હાઉસિંગ સોસાયટીની રોજબરોજ આર્થિક બાબતો પૂરી કરવા માટે અપૂરતી છે. આથી સોસાયટીઓ ભીંસમાં આવી ગયા છે.આ પ્રકરણની તપાસ કરતી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા હમણાં સુધી બેન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને બેન્કના અકાઉન્ટ્સના હેડ હિતેશ પ્રવીણચંદ્ર મહેતા, મનોહર અરુણાચલમ, બિલ્ડર ભૌનની ધરપકડ કરી છે, જ્યારે મનોહરનો પિતા સોલારનો વેપારી ઉલ્હાનાથ હજુ પણ ફરાર છે. હિતેશે રૂ. 28 કરોડ જેમને ટ્રાન્સફર કર્યા હતા તે હિરેન ભાન અને ગૌરી ભાનુની પણ તપાસ ચાલી રહી છે.
કોર્ટમાં મામલો પડકારવામાં આવશે
દરમિયાન અગાઉ ગોરેગાવ પશ્ચિમમાં પણ ડિપોઝિટરોની બેઠક યોજાઈ હતી, જેમાં મુંબઈ હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરવાનો નિર્ણય લેવાયો હતો. રવિવારે મીરા રોડની બેઠકમાં આ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું. આથી ટૂંક સમયમાં જ આ મામલો કોર્ટમાં પડકારવામાં આવે એવી શક્યતા છે. ડિપોઝિટરો માટે વિવિધ સંગઠનો એકત્ર આવી રહ્યા છે, જેને કારણે આ લડત વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. એક ડિપોઝિટરે જણાવ્યું કે અમે દરેક પૈસા વસૂલ કરવા કાનૂની લડત ચલાવવા માગીએ છીએ. ડિપોઝિટરોના હક માટે ઉત્તમ વકીલોની નિયુક્તિ કરવી જોઈએ. ભારતીય જીવન વીમા નિગમ રોકાણકારો માટે સોવરેન બાંયધરી ધરાવે છે. આના જેવી જ બાંયધરી દરેક નાણાકીય સંસ્થાઓને લાગુ કરવી જોઈએ, એમ પણ એક ડિપોઝિટરે માગણી કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
