
‘મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો !’, ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ જેવાં વેધક સંવેદનાસભર ગુજરાતી ગીતો-કવિતાઓના અગ્રણી સર્જક તથા નિબંધકાર અનિલ જોશીનું ૨૬મી ફેબુ્રઆરી ને બુધવારની સવારે મુંબઈમાં ૮૪ વર્ષની વયે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવ્યા હતાં.
બે અઠવાડિયા હોસ્પિટલમાં રહીને ઘરે આવ્યા બાદ તેમનું અવસાન થયું હતું. જોકે જીવનની અંતિમ પળ સુધી તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહ્યા હતા. તેમની દિકરી તથા દીકરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તેમના અવસાનની વાત જાહેર કરી હતી.

સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત ‘સ્ટેચ્યુ’ નિબંધ સંગ્રહ માટે જાણીતા અનિલ જોશી ૨૮ જુલાઈ ૧૯૪૦ના રોજ ગોંડલમાં જન્મ્યા હતા. કવિ, નિબંધકાર તરીકે જાણીતા અનિલ જોશી ૧૯૬૪માં એચ.કે. આર્ટ્સ કોલેજ અમદાવાદથી ગુજરાતી તથા સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા હતા. ૧૯૬૨થી ૧૯૬૯ દરમ્યાન સાહેબે હિંમતનગર, અમરેલીની સ્કૂલોમાં ગુજરાતી વિષયનું અધ્યાપનકાર્ય પણ કરેલ હતું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાષા વિકાસ પ્રોજેક્ટમાં જોડાઈ ગુજરાતી ભાષાના સલાહકાર તરીકે નિવૃત્તિ સુધી કાર્યરત રહ્યા હતા. વિશેષ વાત એ છે કે અનિલ જોશીની સેવાઓ મેળવવા માટે મુંબઈ મહાપાલિકાએ ખાસ આ હોદ્દો ઊભો કર્યો હતો અને તેઓ નિવૃત્ત થયા તે પછી આ પોસ્ટ જ નાબૂદ કરી દેવામાં આવી હતી.
સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં આ કવિના ‘કદાચ’, ‘બરફનાં પંખી’ એ કાવ્યસંગ્રહો છે. ‘રંગ સંગ કિરતાર’ એ એમના ચિંતનાત્મક લખાણોનો સંગ્રહ છે. ‘અનિલ જોશીની કેટલીક વાર્તાઓ’ એમનો વાર્તાસંગ્રહ છે. એમનો ‘સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહ ખૂબ જાણીતો થયો છે . ‘ત્રાંસડી ઉપાડી શેઠ’ની એ તેમની નિખાલસ આત્મકથા છે.

આ કવિ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહેતા હતા અને પોતાના વિચારો નિર્ભીકપણે રજૂ કરતા હતા. ગુજરાતીમાં આધુનિકતાવાદી સાહિત્યિક ચળવળ ‘રે મઠ’ સાથે સંકળાયેલા હતા.તેઓ અને સ્વ. રમેશ પારેખ ગાઢ મિત્રો હતા. તેમની મિત્રતાના અનેક કિસ્સાઓ પણ જાણીતાં છે. જોકે તેમણે બે દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહેલું કે ‘લગભગ બે અઠવાડિયા આઈસીયુમાં રહ્યા પછી, હવે ખુલ્લા આકાશ નીચે ઊભો છું.’ જોકે હવે તેઓ કાયમને માટે એ આકાશ તરફ ગતિ કરી ગયા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
