
બે કરોડથી વધુની છેતરપિંડી કરનારા આરોપીએ નોકરી ઇચ્છુકોને એપોઈન્ટમેન્ટ લેટર અને આઈ કાર્ડ પણ આપ્યાં
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ પદે નોકરી અપાવવાની લાલચે 40 જેટલાં યુવક-યુવતીને છેતરી બે કરોડથી વધુ રૂપિયા પડાવનારા નકલી ઈન્કમ ટૅક્સ કમિશનરને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે પકડી પાડ્યો હતો. સરકારી વાહન પરની લાલ લાઈટ લગાડેલી કારમાં ફરનારા આરોપીએ નોકરી ઇચ્છુકોને આવકવેરા વિભાગમાં નિયુક્તિના લેટર અને આઈ કાર્ડ્સ પણ આપ્યાં હતાં.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ રિંકુ જિતુ શર્મા (33) તરીકે થઈ હતી. તેની પાસેથી વિવિધ સરકારી ખાતાં અને પદનાં 28 જેટલાં ઓળખપત્રો મળી આવ્યાં હતાં, જેમાં આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર, ઈન્કમ ટૅક્સ ઈન્સ્પેક્ટર, ગૃહ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર અને સીબીઆઈના કમિશનરનાં આઈ કાર્ડ્સનો સમાવેશ થાય છે.

નાલાસોપારાના એક રહેવાસીએ 12 ડિસેમ્બર, 2024ના રોજ પેલ્હાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. આરોપી શર્મા અને તેના સાથીએ ફરિયાદીની પુત્રીને ઈન્કમ ટૅક્સ ઈન્સ્પેક્ટર તરીકેની નોકરી અપાવવાની લાલચે 15 લાખ રૂપિયા પડાવ્યા હતા.
2001માં ફરિયાદીની ઓળખાણ શર્મા સાથે થઈ હતી. તે સમયે શર્માએ તેની ઓળખાણ ઈન્કમ ટૅક્સ કમિશનર તરીકે આપી હતી. શર્મા લાલ લાઈટવાળી કારમાં ફરતો અને કાર પર આવકવેરા વિભાગનો લોગો પણ લગાવવામાં આવ્યો હતો.
નોકરીની લાલચે ફરિયાદી પાસેથી સમયાંતરે નાણાં વસૂલ્યા પછી આરોપીએ ઈન્કમ ટૅક્સ ઈન્સ્પેક્ટરનું બનાવટી આઈ કાર્ડ અને બોગસ એપોઈન્ટમેન્ટ લેટર આપ્યા હતા. આવકવેરા વિભાગમાં પહોંચ્યા પછી ફરિયાદીને આ છેતરપિંડીની જાણ થઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
