
દક્ષિણ મુંબઈની ગામદેવી પોલીસે બોલીવૂડના પ્રખ્યાત સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ચિરાગ બાંબોટની એક કેમિકલના બિઝનેસમેન સાથે રૂા. ૬.૧૫ કરોડની છેતરપિંડી કરવા બદલ એફઆઇઆર નોંધી છે. પોલીસ સૂત્રોનુસાર આ કેસમાં ચિરાગ બાંબોટ સિવાય રાકેશ શેટ્ટી નામના એક શખ્સ અને તેની પત્ની તમસીન શેખને પણ એફઆઇઆરમાં સહ-આરોપી બનાવવામાં આવ્યા છે.
આ સમગ્ર કેસ વિશે ફરિયાદ કરનાર કેમિકલના વેપારી વિરાજ શાહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ છેતરપિંડીની શરૂઆત ૨૦૨૧માં થઈ હતી, જ્યારે તેમની ઓફિસમાં કામ મિત્ર અને ઇન્ટિરિયર ડિઝાઇનર ડેરિયસ બાંબોટે તેમની ઓળખાણ તેના ભાઈ ચિરાગ બાંબોટ સાથે કરી આપી હતી. ડેરિયસે જણાવ્યું હતું કે ચિરાગ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે અને કોવિડને લીધે તેને મોટું વ્યાવસાયિક નુકસાન થયું છે અને તે કર્મચારીઓના પગાર ચૂકવવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ડેરિયસે શાહને તેના ભાઈની આર્થિક મદદ કરવાની વિનંતી કરી હતી.

એપ્રિલ, ૨૦૨૨માં શાહ અને ચિરાગ મળ્યા હતા. આ સમયે ચિરાગે તેની કંપની મેજિકલ મેકઓવર પ્રા. લિ. મેકઅપ આર્ટિસ્ટમાં વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપતી હોવાનું જણાવી આ વ્યવસાય ખૂબ જ નફાકારક હોવાનું કહ્યું હતું. જોકે કોવિડને કારણે બિઝનેસ નુકસાન કરતો હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ સાથે ચિરાગે શાહને તેના બિઝનેસમાં રોકાણ કરવા જણાવ્યું હતું અને શાહે તેમના પર વિશ્વાસ રાખી રોકાણ માટે સંમતિ દર્શાવી હતી. ચિરાગે શાહને કંપનીમાં ૪૯ ટકા ઇક્વિટીનું પણ વચન આપ્યું હતું. શાહે એપ્રિલથી ડિસેમ્બર, ૨૦૨૨ વચ્ચે ચિરાગના બિઝનેસ એકાઉન્ટમાં ૪૧ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ઓક્ટોબર, ૨૦૨૩માં શાહનું રોકાણ વધીને રૂા. ૩.૧૬ કરોડ થઈ ગયું હતું. શરૂઆતમાં ચિરાગ ખર્ચ બાબતની તમામ અપડેટ શાહને આપતો હોવાથી તેમનો વિશ્વાસ મજબૂત બન્યો હતો.
આ દરમિયાન ચિરાગે નવા સ્કિન ટ્રીટમેન્ટ બિઝનેસનો પ્રસ્તાવ શાહ સમક્ષ મૂક્યો હતો અને તેમનો પરિચય રાકેશ શેટ્ટી નામના એક શખ્સ સાથે કરાવ્યો હતો. આ લોકોની યોજનાઓથી સંમત થઈ શાહ વધુ રોકાણ કરવા તૈયાર થયા હતા. ચિરાગને નવા વ્યવસાય માટે યંત્ર સામગ્રી, ઇન્ટિરિયર અને અન્ય જરૂરી વસ્તુઓ માટે પૈસાની જરૂર હોવાથી શાહે તેમની કંપની ‘હેવિ કેમિકલ્સ કોર્પોરેશન’ના નામે બેન્કો અને અન્ય ફાઇનાન્સ કંપની પાસેથી રૂા. ૬.૫૦ કરોડની લોન કાઢી આપી હતી. આમાંથી તેમણે રૂા. ૬.૧૫ કરોડ ચિરાગની કંપની ‘આર્ટ બાય ચિરાગ બાંબોટે એલએલપી’ના ખાતમાં ટ્રાન્સફર કરી હતી. ત્યાર બાદ શાહ ૨૫ ટકાની ભાગીદારી મેળવવા પ્રયત્નશીલ હતા અને પાર્ટનરશીપ ડીડ પર સહી મેળવવા ચિરાગનો વારંવાર સંપર્ક કર્યો હતો, પણ તેણે સતત ઉપેક્ષા કરી હતી.

શાહે ત્યાર બાદ જ્યારે પણ ખર્ચનો હિસાબ માગ્યો ત્યારે ચિરાગ અને અન્ય આરોપીઓએ વિગતો આપવાનું ટાળ્યું હતું. શાહ અનુસાર જ્યારે ચિરાગના ચાર્ટર્ડ એકાઉન્ટને તેને બેન્કનું સ્ટેટમેન્ટ મોકલ્યું ત્યારે ચિરાગે શાહ પાસેથી લીધેલી રકમ બિઝનેસ માટે ન વાપરતા પોતાના અંગત ફાયદા માટે ખર્ચ કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. અંતે શાહની ફરિયાદના આધારે ગાવદેવી પોલીસ મથકમાં ચિરાગ અને અન્યો સામે આઇપીસીની કલમ ૪૦૬ (વિશ્વાસ ભંગ), ૪૦૯ અને ૧૨૦-બી (ગુનાહિત કાવતરાં) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
