
ટોરસ રોકાણ છેતરપિંડી સંબંધમાં ત્રણ આરોપીઓના રિમાંડ પૂરા થતાં સોમવારે ફરીથી વિશેષ કોર્ટ સમક્ષ હાજર કરીને મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ જણાવ્યું કે આ કૌભાંડની રકમ રૂ. 38 કરોડ સુધી પહોંચી છે અને આ કૌભાંડે ભારતીય અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે. કોર્ટે ત્રણેય આરોપીઓના રિમાંડની મુદત 18 જાન્યુઆરી સુધી વધારી દીધી હતી.
કોર્ટને પોલીસે જણાવ્યું કે ટોરસ જ્વેલરી બ્રાન્ડની માલિકીની ખાનગી કંપની દ્વારા સંચાલિત રોકાણ યોજનામાં છેતરપિંડી માટે 11 આરોપીઓ વોન્ટેડ છે. તેમની વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર (એલઓસી( જારી કરાયું છે. આરોપીઓમાં વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
આ પ્રકરણમાં ધરપકડ કરાયેલા ઉઝબેકિસ્તાનના નાગરિક તાઝાગુલ સેસાતોવ, રશિયન નાગરિક વેલેન્ટિના ગણેશ કુમાર અને સર્વેશ સુર્વે કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ છે. તેમને મહારાષ્ટ્ર પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઈડી) ધારા હેઠળની વિશેષ કોર્ટમાં હાજર કરાયા હતા.

સુર્વે (30) દક્ષિણ મુંબઈમાં ઉંમરખાડીનો રહેવાસી છે. સેસાતોવ (52) અને કુમાર (44) આ કૌભાંડની સૂત્રધાર પ્લેટિનમ હર્ન પ્રા. લિ.ના વરિષ્ઠ હોદ્દા પર હતા. સુર્વે ડાયરેક્ટર, સેસાતોવ જનરલ મેનેજર અને કુમાર સ્ટોર ઈન-ચાર્જ હતો.
અગાઉ 7 જાન્યુઆરીએ તેમની ધરપકડ કર્યા પછી કોર્ટે 13 જાન્યુઆરી સુધી રિમાંડ આપ્યા હતા. આથી સોમવારે ફરીથી રિમાંડ વધારવાની માગણી સાથે પોલીસે તેમને કોર્ટમાં હાજર કર્યા ત્યારે આ કૌભાંડની રકમ વધુ કરોડોમાં જશે એવી ધારણા વ્યક્ત કરી હતી. હમણાં સુધી 1916 રોકાણકારોએ ફરિયાદ કરી છે. આરોપીઓની રૂ. 17 કરોડની મતા જપ્ત કરવામાં આવી છે.આરોપીઓએ ઠગાઈ કરેલાં નાણાં અનધિકૃત ચેનલો થકી વિદેશમાં ટ્રાન્સફર કર્યા છે. આ કેસના 11 ફરાર આરોપીઓ દેશની બહાર નહીં જાય તે માટે તેમની વિરુદ્ધ એલઓસી જારી કરવામાં આવી છે. આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર કોણ છે,
ટોરસ બ્રાન્ડની માલિકી ધરાવી જ્વેલરી કંપની પ્લેટિનમ હર્ન કોણે શરૂ કરી અને આરોપીઓએ કંપની માટે આરંભિક ભંડોળ ક્યાંથી પ્રાપ્ત કર્યું તે સર્વ પાસાંની તપાસ ચાલી રહી છે.ધરપકડ કરાયેલા આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી. આથી તેમના રિમાંડ વધારીને જોઈએ છે. કંપનીનાં બેન્ક ખાતાં અને તેની નાણાકીય લેણદેણની તપાસ પણ બાકી છે, એમ પોલીસે કોર્ટને જણાવ્યું હતું.

નોંધનીય છે કે ટોરસ બ્રાન્ડની માલિક જ્વેલરી કંપનીએ આકર્ષક વ્યાજની યોજના અને મલ્ટી લેવ માર્કેટિંગ યોજનાના સંયોજન થકી કરોડો રૂપિયાની રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે. ઈઓડબ્લ્યુ દ્વારા આ પ્રકરણે કોલાબા, દાદર અને ડોંબિવલીમાં દરોડા પાડીને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો, રોકાણના દસ્તાવેજો, રોકડ જપ્ત કર્યાં છે.
કૌભાંડ આ રીતે બહાર આવ્યું
આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે દાદર પશ્ચિમમાં ટોરસ વસ્તુ સેન્ટર ઈમારત ખાતે સ્થિત જ્વેલરી બ્રાન્ડના સ્ટોરમાં સેંકડો રોકાણકારો 6 જાન્યુઆરીએ અચાનક ભેગા થયા. કંપનીએ રોકાણો પર વ્યાજ આપવાનું બંધ કરતાં રોકાણકારોએ કંપનીને ઘેરાવ કર્યો હતો. જોકે તે પૂર્વે જ આરોપીઓ સ્ટોર બંધ કરીને ભાગી ગયા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
