
એક યા બીજા કારણસર સતત વિવાદમાં રહેલી મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પરીક્ષા માટે તૈયારી કરતા કેટલાક વિદ્યાર્થીઓને આ વખતે ફોન કોલ કરીને પ્રશ્નપત્ર જોઈતા હોય તો 40 લાખ રૂપિયા આપો એવી ઓફર કરવામાં આવી હતી.
જોકે સતર્ક એમપીએસસીના અધિકારી અને પોલીસે તુરંત પગલાં લઈને આરોપીઓને ઝડપી લીધા છે. જોકે પ્રશ્નપત્ર ખરેખર લીક થયા છે કે કેમ તેના કોઈ પુરાવા મળ્યા નથી, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પ્રકરણમાં દીપક ગયારામ ગાયધને, સુમિત કૈલાસ જાધવ અને યોગેશ સુરેન્દ્ર વાઘમારેની ધરપકડ કરવામાં આવી છે. એમપીએસસીના સેક્રેટરી સુવર્મા ખરાતે શુક્રવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તેમણે જણાવ્યું કે એમપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા અમુક વિદ્યાર્થીઓને અજ્ઞાત ફોન નંબર પરથી કોલ આવ્યા હતા. કોલ કરનારે તેમને રૂ. 40 લાખમાં પ્રશ્નપત્ર આપવાની ઓફર કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) નિખિલ પિંગળેએ જણાવ્યું કે આ પ્રકરણમાં ફરિયાદ બાદ અમે ત્રણ જણની ધરપકડ કરી છે. બે જણની ચાકણ વિસ્તારમાંથી અને એક જણની નાગપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
હમણાં સુધીની તપાસમાં આ પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થયા હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. અમને આરોપીઓના મોબાઈલ ફોનમાંથી 24 વિદ્યાર્થીની યાદી મળી છે. આ વિદ્યાર્થીઓને આરોપીઓએ ફોન કોલ કર્યા હતા, જ્યારે અમુકને કરવાના હતા, એમ તેમણે જણાવ્યું હતું.

આ અંગે અમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો 62, 318 (4), 1 (બી) અને અન્ય સુસંગત જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર સ્પર્ધાત્મક પરીક્ષા ધારા હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
