
પ્રવાસીઓની ભીડને કારણે ડોમ્બિવલી સ્ટેશને ઊતરવા ન મળતાં વીફરેલા યુવકે ચાલતી ટ્રેનમાં આડેધડ ચાકુ હુલાવી આતંક મચાવી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ હુમલામાં સાતથી આઠ પ્રવાસીને ઇજા થઈ હતી, જ્યારે થાણે સ્ટેશને ફરજ બજાવતી પોલીસે આરોપી યુવકને પકડી પાડ્યો હતો.
ડોમ્બિવલી રેલવે પોલીસના સિનિયર ઈન્સ્પેક્ટર કિરણ ઉન્દ્રેના જણાવ્યા મુજબ ઘટના બુધવારની સવારે 9.45 વાગ્યાની આસપાસ કલ્યાણ-દાદર ફાસ્ટ ટ્રેનમાં બની હતી. આ પ્રકરણે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ જિયા હુસેન અનવર હુસેન શેખ (19) તરીકે થઈ હતી.
મળતી માહિતી અનુસાર મુંબ્રાના આંબેડકર નગર ખાતે રહેતો શેખ કલ્યાણથી ફાસ્ટ ટ્રેનમાં ચઢ્યો હતો. ફાસ્ટ લોકલ હોવાથી તેણે ડોમ્બિવલી સ્ટેશને ઊતરવાનું નક્કી કર્યું હતું. જોકે ટ્રેન ડોમ્બિવલી સ્ટેશને પહોંચી ત્યારે પ્રવાસીઓની ભારે ભીડને કારણે તેને સ્ટેશને ઊતરવા મળ્યું નહોતું. પરિણામે રોષે ભરાયેલા શેખે ગાળાગાળી કરવા માંડી હતી.

પ્રવાસીઓની સમજાવટ છતાં શેખ શાંત પડવા માગતો નહોતો. મુંબ્રા સ્ટેશન નજીક ટ્રેન પહોંચી ત્યારે શેખ અન્ય પ્રવાસીઓને ધક્કામુક્કી કરવા લાગ્યો હતો. ઉગ્ર બોલાચાલીને કારણે શેખ પેન્ટના ખીસામાંથી ચાકુ કાઢી પ્રવાસીઓને ધમકાવવા લાગ્યો હતો. પ્રવાસીઓએ પકડવાનો પ્રયાસ કરતાં તે આડેધડ ચાકુ ફેરવવા લાગ્યો હતો.
આ હુમલામાં ઉલ્હાસનગરના વેપારી રાજેશ ચાંગલાની, હેમંત કાંકરિયા અને અક્ષય વાઘના હાથમાં ચાકુના ઘા થયા હતા. આરોપીએ કાંકરિયાના ડાબા હાથ પર બચકું પણ ભર્યું હતું. પ્રવાસીઓએ બળપ્રયોગ કરી આરોપીને પકડી રાખ્યો હતો. ટ્રેન થાણે સ્ટેશને પહોંચી ત્યારે ફરજ પર હાજર પોલીસની મદદથી આરોપીને થાણે રેલવે પોલીસ પાસે લઈ જવાયો હતો.
ફરિયાદમાં જણાવાયા મુજબ આ હુમલામાં સાતથી આઠ પ્રવાસી ઘવાયા હતા. જોકે અન્ય પ્રવાસીઓને નજીવી ઇજા થઈ હોવાથી તે થાણે સ્ટેશને ઊતર્યા નહોતા. આરોપી સાથે પોલીસ સ્ટેશને ગયેલા ચાંગલાની, કાંકરિયા અને વાઘને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ લઈ જવાયા હતા. ઘટના ડોમ્બિવલી રેલવે પોલીસની હદમાં બની હોવાથી કેસ ત્યાં ટ્રાન્સફર કરાયો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ કોઈ ગુનો નોંધાયેલો નથી. તે ડ્રગ્સનો બંધાણી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
