
મુંબઈ-પુણે રેલવે માર્ગમાં લોનાવલાથી કર્જત ઘાટમાં ચઢાણ-ઉતરાણ પર પ્રવાસી ટ્રેન સહિત માલગાડીઓની અવરજવર ઝડપી કરવા રેલવેએ એક વધુ તબક્કો પાર કર્યો છે. ઘાટમાં ત્રણ ઠેકાણે કલાકના 30 કિલોમીટરની સ્પીડલિમિટ માટે સ્પીડ સેન્સિંગ ડિવાઈસ શરૂ કરીને ટ્રેન ચલાવવાના પ્રસ્તાવને રિસર્ચ ડીઝાઈન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશને લીલી ઝંડી દેખાડી છે.
નવા વર્ષના મૂરતે અર્થાત જાન્યુઆરીથી આરડીએસઓ અને મધ્ય રેલવે તરફથી પરીક્ષણ કરવામાં આવશે. એસએસડીના લીધે થોભ્યા વિના ટ્રેન દોડતી રહેવાની હોવાથી પ્રવાસીઓના ઘાટના પ્રવાસના સમયમાં બચત થશે અને પ્રવાસ ઝડપી થશે. લોનાવલાથી કર્જત દરમિયાન ઘાટ માર્ગથી મુંબઈ આવતી ટ્રેનને ત્રણ ઠેકાણે અતિતીવ્ર ઢોળાવ પર ઘણાં ધ્યાનથી રોકીને રોકીને રવાના કરવામાં આવે છે. દરેક સમયે ટ્રેન ઊભી રહ્યા બાદ બ્રેકની તપાસ કરવામાં આવે છે. બ્રેક સારી સ્થિતિમાં હોવાની ખાતરી કર્યા પછી જ ટ્રેન રવાના કરવામાં આવે છે. સ્પીડ ઓછી કરવી, ટ્રેન રોકવી, શરૂ થયા બાદ અપેક્ષિત સ્પીડલિમિટ સુધી પહોંચવા લાગતો સમય જેવી બાબતને કારણે એક પ્રવાસી ટ્રેનને સરેરાશ આઠથી દસ મિનિટ વધુ સમય લાગે છે. રેલવે પાટા પર પર એસએસડી કાર્યાન્વિત કરવા ઘાટમાં ટ્રેન થોભાવવાની જરૂર નહીં રહે. એસએસડી સિસ્ટમમાં પાટા અને પાટા પરના સિગ્નલ વચ્ચે સેન્સરના માધ્યમથી વીજઝડપે સંવાદ સાધવામાં આવે છે.

એસએસડીની સ્પીડલિમિટ કલાકના 30 કિમી રહેશે. ક્યારેક ટ્રેનની સ્પીડ મર્યાદા કરતા વધુ થાય તો તરત આગળનું સિગ્નલ લાલ થાય છે. તેથી ટ્રેનના બ્રેક દબાવ્યા પછી સ્પીડ પર નિયંત્રણ મેળવવું શક્ય થાય છે. પરિણામે સ્પીડ ઓછી કરવી, ટ્રેન રોકવી, શરૂ થયા પછી અપેક્ષિત સ્પીડ મેળવવી જેવી પ્રક્રિયા વિના અવરજવર શક્ય થવાની હોવાથી એક ટ્રેન પાછળ આઠથી દસ મિનિટની બચત કરવી શક્ય થશે.
મુંબઈ આવતી ટ્રેનોને ફાયદો
મંકીહિલ પર આ પહેલાં જ એસએસડી કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. અત્યારે નાગનાથ, ઠાકુરવાડી અને બીજા એક ઠેકાણે એસએસડી કાર્યાન્વિત કરવામાં આવશે. મંકીહિલના સફળ પ્રયોગના લીધે પરિક્ષણનો અહેવાલ હકારાત્મક અપેક્ષિત છે. તેથી નવા વર્ષમાં એની અમલબજાવણી થયા પછી ઘાટમાર્ગમાંથી જતી તમામ ટ્રેનને ફાયદો થશે.

આરડીએસઓનું ગ્રીન સિગ્નલ
મધ્ય રેલવેએ આરડીએસઓને પરિક્ષણ લેવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. એને મંજૂરી આપી આરડીએસઓ અને મધ્ય રેલવેએ જાન્યુઆરીથી ત્રણ મહિના એસએસડી અનુસાર ટ્રેનનું પરિક્ષણ કરશે. એ પછી સુધારેલી સ્પીડલિમિટ સાથે ટ્રેન દોડશે. કર્જતથી લોનાવલા દરમિયાન પ્રવાસી ટ્રેન, માલગાડીઓ, અતિરિક્ત એન્જિન એમ કુલ 100 ટ્રેનની અવરજવર થાય છે. દરેક ટ્રેનનો લગભગ આઠ મિનિટનો સમય લાગે છે. એસએસડીના લીધે વેડફાતો સમય બચતા દરરોજ અંદાજે 13 કલાકની બચત થશે. એનો ફાયદો ઘાટમાં ટ્રેનની ક્ષમતા વધારવામાં થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
