
ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કમાંથી રૂ. 122 કરોડની ઉચાપત કરવા પ્રકરણે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) દ્વારા બેન્કનું ઓડિટ કરનારી અડધો ડઝન કંપનીના પ્રતિનિધિઓને અલગ અલગ સમયે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
આ નાણાકીય સેવા કંપનીઓ 2019-2024 દરમિયાન સ્ટેચ્યુટરી, કોન્કરન્ટ અને આંતરિક ઓડિટમાં સંકળાયેલી હતી, જે સમયગાળામાં ઉચાપત કરવામાં આવી હતી.બેન્કનું આરંભિક ઓડિટ કંપનીમાં ભાગીદાર મેસર્સ સંજય રાણે એસોસિયેટ્સ વારા કરવામાં આવ્યું હતું, જેના અભિજિત દેશમુખની છેલ્લા ચાર દિવસથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે પોલીસે ચાર્ટર્ડ કંપનીમાં અન્ય એક ભાગીદાર સંજય રાણેને નિવેદન નોંધવા માટે બોલાવ્યો છે.સંજય રાણે એસોસિયેટ્સ ઉપરાંત મેસર્સ યુજી દેવી એન્ડ કંપની, મેસર્સ ગાંધી એન્ડ એસોસિયેટ્સ એલએલપી, મેસર્સ શિંદે- નાયક એન્ડ એસોસિયેટ્સ, મેસર્સ જૈન ત્રિપાઠી એન્ડ કંપની તેમ જ મેસર્સ એ આઈ મોગલ એન્ડ કંપનીને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે.

આ કંપનીના પ્રતિનિધિઓને તેમનાં નિવેદન નોંધવા માટે બુધવાર પછી બોલાવવામાં આવ્યા હતા.જો જરૂર પડશે તો રૂ. 122 કરોડની ઉચાપત કઈ રીતે કરાઈ તે નક્કી કરવા માટે બેન્કની નાણાકીય નોંધનું ફોરેન્સિક ઓડિટ કરાશે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીમાંથી બેન્કના ભૂતપૂર્વ સીઈઓ અભિમન્યુ ભોન દ્વારા બેન્કના સર્વ ઓડિટ રિપોર્ટસ અને બેલેન્સ શીટ્સ પર સહી કરવામાં આવી હતી. ભોન બેન્કના વોલ્ટમાં કેટલી રોકડ છે તે જાણતો હોવાથી તે આ કાવતરા વિશે વાકેફ હતો. તેના ઉપરાંત ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ પ્રવીણચંદ્ર મહેતા અને રિયલ એસ્ટેટ ડેવલપર ધર્મેશ પૌનની પણ આ કેસમાં ધરપકડ કરાઈ છે.
દાદર પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ ફરિયાદ
આરબીઓ દ્વારા નિરીક્ષણમાં ભંડોળની ઉચાપત ધ્યાનમાં આવી હતી. આ પછી બેન્કના કાર્યવાહ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દેવર્ષિ ઘોષ દ્વારા મહેતા અને અન્યો વિરુદ્ધ દાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ઉચાપતની રકમ મોટી હોવાથી આર્થિક ગુના શાખાએ તપાસ હાથમાં લીધી છે.

મહેતા અને સાગરીતો દ્વારા ઉચાપત
મહેતા અને તેના સાગરીતોએ બેન્કની પ્રભાદેવી અને ગોરેગાવ શાખામાંથી રૂ. 122 કરોડની ઉચાપત કરી હતી. તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316 (5) (વિશ્વાસઘાત), 61 (2) (ફોજદારી કાવતરું) અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરબીઆઈએ બેન્કના બોર્ડને એક વર્ષ માટે બરખાસ્ત કરી દીધું છે અને તેની બાબતોનું વ્યવસ્થાપન કરવા માટે વ્યવસ્થાપક નિયુક્ત કર્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
