
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર વૈવિધ્યસભર પ્રકાશનો દ્વારા અનેક સ્થળે કાર્યક્રમોના આયોજન દ્વારા સાહિત્ય પ્રસાર કરે છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત અકાદમી દ્વારા વિશેષ પહેલ રૂપે બે દિવસના `મુંબઈ સાહિત્યોત્સવ’નું આયોજન કાંદિવલીમાં કરવામાં આવ્યું છે.
અકાદમી મુંબઈમાં પહેલી જ વાર સમાવેશી અભિગમ સાથે આ સાહિત્યોત્સવ યોજી રહી છે. કેઈએસ – ગુજરાતી ભાષા ભવનના સંયુક્ત ઉપક્રમે આયોજિત `મુંબઈ સાહિત્યોત્સવ’ 13 અને 14 ડિસેમ્બરે કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલ સભાગૃહ, ત્રીજે માળે, હેમુ કાલાની ક્રોસ રોડ નં. 4, ઈરાની વાડી, કાંદિવલી (પશ્ચિમ) ખાતે યોજાશે. પાંચ સત્રમાં વિભાજિત નવ કલાકમાં 12 સહયોગી સંસ્થાઓ અને 35 સહભાગીઓ જોડાશે.
13 ડિસેમ્બરે સાંજે 5.30 વાગ્યે ઉદઘાટન સત્રમાં સાહિત્યોત્સવની પરિકલ્પના કરનાર અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા, મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ તથા પ્રસિદ્ધ સાહિત્યકાર દિનકર જોશી અને વિવેચક દીપક મહેતા સાહિત્યના વિવિધ મુદ્દાઓને સ્પર્શતાં વક્તવ્યો આપશે. સુરેશ જોશી અને જ્હોની શાહ કાવ્યગાન તથા મિતા ગોર મેવાડા અને કિરણ બૂચ એકોક્તિ પ્રસ્તુત કરશે. આ સત્રનું સંચાલન સંજય પંડ્યા કરશે.

14 ડિસેમ્બરે કુલ ચાર સત્ર યોજાશે. સવારે 10.00 વાગ્યે બીજા સત્રમાં `સાહિત્યમાં માનવસંવેદના’ વિશે ડૉ. અભય દોશી વક્તવ્ય આપશે. `નિબંધ નિરામય’ શીર્ષક હેઠળ પ્રતાપ સચદેવ, રાજુલ દીવાન, દિલીપ રાવલ અને પ્રીતા પંડ્યા પ્રતિનિધિ નિબંધોનું વાચિકમ્ કરશે. `નિબંધઃ વૈવિધ્યઅને વિસ્મય’ વિશે ડૉ.દર્શના ઓઝા વક્તવ્ય આપશે. આ સત્રનું સંચાલન ડૉ. હિતેશ પંડ્યાનું છે. ત્રીજા સત્રમાં બપોરે 3.30 વાગ્યે `કથાકથન’ શીર્ષક હેઠળ ટૂંકી વાર્તાઓની પ્રસ્તુતિ મેહુલ બૂચ, અલ્પેશ દીક્ષિત, ભામિની ઓઝા- ગાંધી અને સેજલ પોન્દા દ્વારા કરવામાં આવશે. સંકલન પ્રીતેશ સોઢાનું છે. `ટૂંકી વાર્તાઃપ્રવાહ અને પ્રયોજન’ વિશે ડૉ. દશરથ પટેલ વક્તવ્ય આપશે. આ સત્રનું સંચાલન સમીરા પત્રાવાલા કરશે. ચોથા સત્રમાં સાંજે 5.30 વાગ્યે આયોજિત `કાવ્યોત્સવ’માં ડૉ. સંસ્કૃતિરાણી દેસાઈ, સુરેશ ઝવેરી, રાજેશ હિંગુ અને હિતેન આનંદપરા કાવ્યપાઠ કરશે. સંચાલન ડૉ. ખેવના દેસાઈનું છે.
પાંચમા સત્રમાં સાંજે 7.00 વાગ્યે `કાવ્ય સંગીત’ શીર્ષક હેઠળ નિશા કાપડિયા, આલાપ દેસાઈ અને રાઘવ દવે કાવ્યાત્મક કૃતિઓની સાંગીતિક પ્રસ્તુતિ કરશે. સંચાલન મુકેશ જોશીનું છે. આ સાહિત્યોત્સવમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર સમાપન વક્તવ્ય આપશે.

સહયોગી સંસ્થાઓ તરીકે જોડાયા
પરિચય ટ્રસ્ટ, હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ, ફ્લૂટ ઍન્ડ ફેધર ફાઉન્ડેશન, એસ. એન. ડી. ટી. મહિલા વિદ્યાપીઠ, આપણું આંગણું બ્લૉગ, ઝરૂખો, કવિશા હૉલિડે, લેખિની, શ્રી સાઇ સાર્વજનિક ટ્રસ્ટ, પ્રગતિ મિત્ર મંડળ (બોરીવલી- કાંદિવલી) અને કલાગુર્જરી સહયોગી સંસ્થા તરીકે જોડાયા છે. સર્વ સાહિત્યરસિકોને બે દિવસના ઉત્સવમાં જાહેર આમંત્રણ છે , એમ એક યાદીમાં જણાવાયું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
