
નવી મુંબઈના ટાઉનશીપમાં મહાપાલિકા ટ્રાન્સપોર્ટ (એનએમએમટી) બસમાં ભીષણ આગ લાગી હતી. જો કે, ડ્રાઈવર અને પોલીસના ઝડપી પ્રતિસાદને કારણે તમામ મુસાફરોને બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, આ ઘટનાને કારણે કલ્યાણ- શિલફાટા રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.
વિગત મુજબ, આ ઘટના કલ્યાણ- શિલફાટા રોડ પર માનપાડા રુનવાલ ચોકમાં બની હતી. બસમાં આગ લાગતા જ વાહનમાં સવાર ૨૨ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.
જો કે, આગની જાણ થતા જ બસ ડ્રાઈવરે તરત જ બસને રોકી દીધી હતી અને બસમાં સવાર તમામ મુસાફરોને બહાર નીકળવાની સૂચના આપી હતી અને પછી પોતે પણ વાહનમાંથી બહાર નીકળી ગયો હતો. મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં ટ્રાફિક પોલીસે પણ મદદ કરી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસે ઝડપી દરમિયાનગીરી કરી હતી અને આ માર્ગ પર કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે રસ્તાની બંને બાજુનો વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. આ બાદ પોલીસ કર્મચારીઓએ પાણીના ટેન્કરની મદદથી ૩૦ મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગમાં સંપુર્ણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
આગ પર કાબુ મેળવી લીધા બાદ ક્રેનનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત બસને હાઈવે પરથી દૂર ખસેડવામાં આવી હતી. આ બાદ પોલીસે ફરી ટ્રાફિકને સરળ બનાવ્યો હતો. પોલીસ કમિશનરે આ અંગે પૃષ્ટિ કરી હતી કે, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને હાઈવેના ટ્રાફિકને પણ અડધા કલાકમાં ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. તો બસમાં સવાર મુસાફરોને ખાનગી વાહનો અને ઓટો રિક્ષાની વ્યવસ્થા કરીને તેમના ગંતવ્ય સ્થળે પહોંચડાવવામાં આવ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
