
રાજ્યના માજી પોલીસ પ્રમુખ (ડીજીપી) સંજય પાંડેની બુધવારે ખંડણી કેસમાં થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ઓગસ્ટમાં પાંડે અને અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણમાં પાંડેને અગાઉ મુંબઈ હાઈ કોર્ટે 3 જાન્યુઆરી સુધી ધરપકડ સામે રક્ષણ આપ્યું છે.
થાણે નગર પોલીસ સ્ટેશનમાં સંજય પુનમિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં પાંડે ડીજીપી હતા ત્યારે અને પછી મુંબઈ પોલીસ કમિશનર હતા ત્યારે પુનમિયા વિરુદ્ધ બે એફઆઈઆર દાખલ કરાઈ હતી.
મહાયુતિ સરકાર આવ્યા પછી પુનમિયા વિરુદ્ધની ફરિયાદીની તપાસ સીબીઆઈએ હાથમાં લીધી હતી, જેમાં મુંબઈના માજી પોલીસ કમિશનર પરમવીર સિંહનું પણ એફઆઈઆરમાં નામ હતું. જોકે સીબીઆઈએ તપાસ કરીને એફઆઈઆરમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.

થાણે પોલીસના અધિકારીએ જણાવ્યું કે નિવેદન નોંધ્યા પછી પાંડેને જવા દેવાશે. પુનમિયાનો આરોપ છે કે પાંડેએ હોદ્દોનો દુરુપયોગ કરતાં તેની વિરુદ્ધ ગેરકાનૂની રીતે તપાસ શરૂ કરાવી હતી અને તેને અને અન્ય વેપારીઓને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ખંડણી પડાવી હતી. આ કેસમાં ગુનો દાખલ કરાયો હતો તેમાં પુનમિયાના હરીફ અને બિલ્ડર શ્યામસુંદર અગરવાલ, તેના પરિવારના બે અન્ય સભ્યો, બે પોલીસ અધિકારી નિવૃત્ત એસીપી સરદાર પાટીલ અને પીઆઈ મનોહર પાટીલનો સમાવેશ થતો હતો.
પુનમિયાએ દાવો કર્યો હતો કે તેને 2021માં સૈફી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યારે સરદાર પાટીલ અને બે પોલીસ અધિકારીઓ તેનું નિવેદન નોંધવા માટે આવ્યા હતા. તેમણે કહ્યું કે તત્કાલીન ડીજીપી પાંડેએ એવો સંદેશ મોકલ્યો છે કે જો તે શહેરી જમીન ટોચમર્યાદા કૌભાંડમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને પરમવીર સિંહનું નામ સંડોવશે તો પુનમિયાનું નામ ફોજદારી કેસમાંથી દૂર કરાશે.

પુનમિયાએ દાવો કર્યો કે પોતે આ ઓફર નકારી કાઢી હતી. નોંધનીય છે કે 30 જૂન, 2022ના રોજ મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિવૃત્ત થયેલા પાંડેની અગાઉ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને પછીથી તેમને જામીન મળ્યા હતા. સીબીઆઈએ પણ તેમની અને તેમની કંપની આઈસેક સર્વિસીસ પ્રા. લિ. વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમણે આઠ વર્ષ સુધી અનધિકૃત રીતે એનએસઈના કર્મચારીઓના ફોન ટેપ કર્યાનો આરોપ થયો હતો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
