
મ હુવા બંદરના મૂળચંદને જુગારની લત લાગી હતી. એથી એ ભણ્યો નહીં. એની આ લતને કારણે ઘણું સહન કરવું પડયું અને એક દિવસ એ ઘર, વતન અને મા-બાપને તજીને એકલો ચાલી નીકળ્યો અને ત્રણ દિવસે ભાવનગર પહોંચ્યો અને મુનિરાજશ્રી બુદ્ધિચંદ્ર મહારાજને મળ્યો.
એના પરિવારે પહેલા વિરોધ કર્યો, પણ અંતે સંમતિ આપી. ભાવનગર સંઘમાં વિ. સં. ૧૯૪૩ના જેઠ વદ પાંચમે મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજીએ મૂળચંદને દીક્ષા આપી અને મુનિ ધર્મવિજય નામ આપ્યું. એ કશું ભણ્યો નહોતો. એટલે અભ્યાસની વાત એને માટે પડકારભરી લાગી. ઘણાને આ વાત મશ્કરી જેવી લાગી, ગુરુ મહારાજે ધર્મવિજયને સૂત્રો કંઠસ્થ કરવાનું કામ સોંપ્યું, પણ જેને લખતાં-વાંચતાં આવડે નહીં એ કઈ રીતે સૂત્રો કંઠસ્થ કરે. પણ એમ હાર માને એવા આ મુનિ નહોતા. આખો દિવસ બેસીને સૂત્રો ગોખ્યા કરતાં. એમણે બે પ્રતિક્રમણનાં સૂત્રો કંઠસ્થ કરવાનો પ્રારંભ કર્યો. બીજા કોઈને મહિનો-દોઢ મહિનો થાય, પણ આટલું કંઠસ્થ કરતા મુનિ ધર્મવિજયને પૂરા અઢી વર્ષ લાગ્યાં!
ઘણાં એમની મશ્કરી કરતા એમ કહેતાં કે, ‘ગૃહસ્થપણામાં જુગાર રમનાર અને રખડી ખાનાર આ નિરક્ષર સાધુ કંઈ ઉકાળવાના નથી’, પણ એમનાં ગુરુ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજનું એમના પ્રત્યે અત્યંત વાત્સલ્ય હતું અને એમને ભાવપૂર્વક ભણાવતા અને આશીર્વાદ આપતા.

મુનિ ધર્મવિજયે ગુરુ મહારાજને કહ્યું કે, ‘મારે સંસ્કૃત વ્યાકરણ શીખવું છે.’ એમની આ વાત સાંભળીને બીજા સાધુઓ હસી પડયાં, પરંતુ ગુરુએ શિષ્યની સાચા હ્ય્દયની ભાવના જાણી અને ભાવનગરના શિક્ષક અને પંડિત નર્મદાશંકર શાસ્ત્રીને આ કામ સોંપવામાં આવ્યું અને પછી તો એક સમય એવો આવ્યો કે મુનિ ધર્મવિજયને વ્યાકરણનાં સૂત્રો અર્થ સાથે સમજતા અને નિયમો યાદ રાખતા જોઈને બધાં સાધુઓને આશ્ચર્ય થવા લાગ્યું.
અભ્યાસની સાથોસાથ ગુરુ મહારાજની સેવા પણ ચાલતી હતી અને ગુરુએ મુનિ ધર્મવિજયના બુલંદ અવાજ, શુદ્ધ ઉચ્ચાર, સંસ્કૃત બોલવાની ફાવટ અને વૈચારિક ઉદારતાએ જૈન અને જૈનેતર સહુમાં આકર્ષણ જગાવ્યું. એમનાં વ્યાખ્યાનો સાંભળવા મુસલમાન ભાઈઓ પણ આવતા. કેટલાંક સ્થળોએ ચાતુર્માસ કર્યા બાદ મુનિ ધર્મવિજયજી પોતાના ગામ મહુવામાં આવ્યા.
પિતા તો સ્વર્ગવાસ પામ્યા હતા, પણ માતા સાધુ થયેલા પુત્રની પ્રગતિ જોઈને પ્રસન્ન થયા. એમનાં વ્યાખ્યાનો સાંભળવા માટે ગામલોકો મોટી સંખ્યામાં આવતા અને વિચારતા કે આપણા ગામનો એક રખડુ જુગારી છોકરો કેવો તેજસ્વી મહાત્મા બન્યો છે ! એમાં પણ મુનિ શ્રી ધર્મવિજયની પ્રેરક વાણી સાંભળીને ગામના બે યુવાનોમાં દીક્ષાની ભાવના જાગી અને દીક્ષા મહોત્સવ ઉજવાયો. એમણે આ અવસર પર મળેલી રકમ એકઠી કરીને પુસ્તકાલયની સ્થાપના કરી.
મુનિ ધર્મવિજય માનતા કે શ્રાવકો અને સમાજને તેજસ્વી બનાવવો હોય તો સૌથી વધુ જ્ઞાન-પ્રસારની જરૂર છે અને આથી જ મુનિ ધર્મવિજયજી જ્યાં જતા, ત્યાં પુસ્તકાલય અને પાઠશાળાની સ્થાપના કરતા અને એ રીતે જ્ઞાનવિમુખ સમાજને જ્ઞાનઅભિમુખ કરવાનો સંદેશ આપતા.

એમના વિશાળ વાંચનને કારણે એમની પાસે સચોટ તર્કશક્તિ હતી અને હાજર જવાબીપણું પણ. એમણે પાઠશાળાઓ સ્થાપી પણ સાથે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપે એવા શિક્ષકોનો અભાવ જણાયો. એમણે જોયું કે જો શાસનની ઉન્નતિ કરવી હોય તો સંસ્કૃત, પ્રાકૃતનાં જાણકાર એવા શિક્ષકો તૈયાર કરવા અને બીજી બાજુ ઉત્તમ ગ્રંથો પ્રકાશિત કરીને જ્ઞાન-પ્રસાર કરવું.
આ મુનિને જુદાં સ્વપ્નો આવવા લાગ્યાં, જેવાં કે
‘અજ્ઞાન જ બધાં પાપનું મૂળ છે.
‘સમાજમાં જ્ઞાનનો પ્રચાર થવો ઘટે.
‘જ્ઞાન એ જ સાચી તાકાત છે.
‘સંસ્કાર, ચારિત્ર્ય ને વિદ્યાનું મધુરું વાતાવરણ સરજવું જોઈએ. વૈશ્ય-વૃત્તિપ્રધાન ગુજરાતીઓને સરસ્વતીના ઉપાસક કરવા ઘટે
‘પ્રથમ પાયો સરસ્વતીનો,
‘પછી એની ઈમારત ભલે લક્ષ્મી ચણે.’
મુનિ ધર્મવિજયે નાના નાના પ્રયોગો શરૂ કર્યા. એમણે બાલાશ્રમ સ્થાપ્યાં. પોતાની પાસે છાત્રમંડળ રાખ્યું.
પણ ગુજરાતની કુંજોમાં લક્ષ્મીનો કેકારવ સાંભળીને વિદ્યાર્થીઓ થોડું ભણ્યા ન ભણ્યા, થોડું જાણ્યું ન જાણ્યું ને ચાલ્યા જતા. ધંધો કરતા. વેપાર ચલાવતા. મુનિને થયું કે વાતાવરણ જ વ્યક્તિને ઘડે છે. વિદ્યાના વાતાવરણમાં આ વિદ્યાર્થીઓને લઈ જવા ઘટે.

એમનું મન આવા વાતાવરણની ખોજ કરતું હતું અને સાથોસાથ માંડલ ગામમાં મહારાજશ્રીએ યશોવિજયજી જૈન પાઠશાળાની સંવત ૧૯૫૮માં સ્થાપના કરી. તેઓ ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના જીવન અને સાહિત્યથી પ્રભાવિત હોવાને કારણે એ પાઠશાળાના નામ સાથે ઉપાધ્યાયશ્રી યશોવિજયજીનું નામ જોડયું, પણ મનમાં થતું કે જે રીતે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ બાર વર્ષ કાશીમાં રહીને ભણ્યા, એ રીતે વિદ્યાર્થીઓ અને શિષ્યોને કાશીમાં રાખી ભણાવવા જોઈએ. આ વિચારનો અમલ ઘણો કપરો હતો. સૌથી વધુ તો કાશી ગુજરાતથી ૧૩૦૦ માઈલ દૂર હતું. વિહારમાં મુશ્કેલી હતી. વળી કાશીમાં જૈનોનાં કોઈ ઘર નહીં, તેથી ગોચરી મેળવવાની પણ મુશ્કેલી હતી. વળી આટલે દૂર આવવા-જવામાં ખર્ચ પણ ઘણો થાય, પરંતુ આ મુનિરાજને કયે દિવસે કોઈ વિઘ્ન અટકાવી શક્યું હતું ?
એક દિવસ શુભ મુહુર્તે કાશી તરફ પ્રયાણ કર્યું. વિહારનો રસ્તો નક્કી કર્યો, પરંતુ ઘણા ખરા વિસ્તારોમાં જૈનોનાં ઘર નહોતાં. રાત્રી મુકામ અને ગોચરીનો પ્રશ્ન હતો, પણ મુનિરાજ અને એમના છ શિષ્યો તથા બારેક વિદ્યાર્થીઓ પગપાળા નીકળી પડયાં.
વિ.સં. ૧૯૫૯ના વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષયતૃતીયાનાં પાવન દિવસે તેઓ કાશી પહોંચ્યાં. હજી ક્યાં મુશ્કેલી અટકવાની હતા ? અહીં એ સમયે જૈનોનાં કોઈ ઘર નહોતાં અને બીજી બાજુ જૈનો એટલે નાસ્તિક એવી માન્યતા ફેલાયેલી હોવાથી દ્વેષને કારણે એમને કોઈ અનુકુળ જગ્યા મળતી નહોતી. વળી એક સાથે વીસેક માણસોનો વસવાટ કરવો પણ મુશ્કેલ હતો. આખરે એક દૂરનાં ઉજ્જડ વિસ્તારમાં ખંડિયેર જેવી એક ધર્મશાળાનું નાનું સરખું મકાન ભાડે મળ્યું અને ત્યાં મહારાજશ્રી પોતાનાં છ સાધુઓ અને બાર વિદ્યાર્થીઓ સાથે રહેવા લાગ્યાં.

મકાન એટલું જર્જરિત કે જોશભેર પવન ફૂંકાય અથવા તો જરા ભારે વરસાદ આવે તો મકાનની બહાર નીકળીને બીજે આશરો લેવો પડતો, પરંતુ લોકો પણ કટાક્ષ કરીને કહેતાં,
‘ગુજરાતી વાણિયા વિદ્યા શું શીખશે ? ખાખ !”
પણ મુનિનું અંતર પ્રેમનું ઝરણું હતું. એને મન બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય એવા કંઈ ભેદ નહોતા. આખરે બ્રાહ્મણ પંડિતોએ આ સારસ્વત પુત્રને પારખ્યા અને મુનિરાજનો વિદ્યાયજ્ઞા શરૂ થયો અને એનો પ્રકાશ તો કેવો જેની તમે કલ્પના ન કરી શકો. એ વિશે હવે પછી જોઈશું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
