
ડોંબિવલી -ઈસ્ટમાં રામનગર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા 26 વર્ષના કચ્છી યુવકનો જ્ઞાતિની જ યુવતી સાથે લગ્ન કર્યા પછી આત્મહત્યા કરી જીવનલીલા સંકેલી લેવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. બંનેએ પ્રેમલગ્ન કર્યાં હતાં. કચ્છના ડુમરા ગામના વતની અને કચ્છી વિશા ઓસવાળ સમાજના ડોંબિવલી- ઈસ્ટમાં રહેતા યશવંત નાગડાનો મોટો દીકરો રોનકના લગ્ન કવિઓ જ્ઞાતિના જ વિપુલ ફુરિયાની દીકરી પલક સાથે થયાં હતાં અને તેઓને 11 મહિનાની એક દીકરી છે, પરંતુ જ્ઞાતિમાં જ લગ્ન થયાં હોવા છતાં અકળ કારણોસર બંને પરિવારજનોને રોનક સાથે મનમેળ નહોતો. જોકે યુગલ વચ્ચે કોઈ મતભેદ નહીં હોવાનું રોનકના પિતા યશવંત નાગડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.
યશંવતના નાના ભાઈ રાજેન્દ્ર અપરિણીત છે અને રોનક તેના કાકાના ઘરે તેમની સાથે રહેતો હતો, રોનક રેડીમેડ ગારમેન્ટની દુકાનમાં નોકરી કરતો અને તે જીવદયાપ્રેમી સ્વભાવનો હતો, રોનકના પિતાએ કહ્યું કે, દીકરીના જન્મ પછી પત્ની તેના પિયરમાં જ રહેતી હતી. જોકે રોનક મારી સાથે પણ રહેતો નહોતો, પરંતુ તેને પત્ની સાથે કોઈ મનભેદ હોય તેવું જણાયું નથી પરંતુ સાસરિયા તરફથી રોનકને ત્રાસ હોવાની વાત અમને કહી હતી. રોનક તેના કાકા રાજેન્દ્રભાઈ સાથે રહેતો અને તેમની સારસંભાળ રખાતો હતો, પરંતુ થોડા દિવસથી રાજેન્દ્ર નાગડાની તબિયત ખરાબ હોવાથી તે વતનમાં ગયા હતા ત્યારે 29 નવેમ્બરે રાતના સમયે રોનકે ઘરે કોઈ ન હોવાથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

રોનકની અંતિમવિધિ સમયે સમાજના કેટલાક લોકોએ રોનકની પત્ની અને નાની દીકરીને આખરી રસમ અને તેનો ચહેરો જોવા માટે મોકલવા વિંનતી કરી હતી, પરંતુ રોનકના સાસરિયાઓએ આ વિનંતીને માની નહીં અને રોનકની પત્નીને મોકલી નહીં એમ યશવંત નાગડાએ કહ્યું હતું. આમ, એક જ જ્ઞાતિમાં લગ્ન હોવા છતાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ચર્ચા સમાજમાં થઈ રહી છે.
રોનકે એક શોર્ટ વિડિયો બનાવ્યો
દરમિયાન તપાસ પોલીસ અધિકારી ચવ્હાણ પ્રસાદે કહ્યું કે, રોનકની શુક્રવારે રાતે તેની મમ્મી સાથે વાત થઈ હતી. એ પછી શનિવારે સવારે રોનકે ફોન રિસીવ કર્યો નહોતો. અમને પ્રાથમિક જાણકારી અનુસાર રોનક તેની સાથે બનેલી ઘટનાની ડાયરી બનાવી અને એક શોર્ટ વિડિયો પણ બનાવ્યો હોવાનું પરિવારજનોએ અમને જણાવ્યું છે, જેમાં તેણે આરોપ કર્યા છે. અમે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ રોનકના વાલીને પુરાવા આપવા માટે 194 હેઠળ નોટિસ આપી છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટની વિગતો આવી નથી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તે પંખાના હૂકમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતો. કોઈ સુસાઈડ નોટ મળી નથી, અમે હાલમાં અકસ્માતે મોતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યા છે.
