
વિધાનસભાની ચૂંટણીમાં ગેમચેન્જર નીવડેલી લાડકી બહેન યોજનાના અરજીઓની ફરીથી ઊલટતપાસ લેવાનો નિર્ણય સરકારે લીધો છે. અનેક લાડકી બહેનોએ પાત્ર નહીં હોવા છતાં આ યોજનાનો લાભ લીધો છે એવી માહિતી બહાર આવતાં હવે યોજના માટે દાખલ કરેલા દસ્તાવેજોની ફેરતપાસ થશે. તેમાં અપાત્ર ઠરશે તેમના લાભ બંધ કરાશે. આ તપાસ પ્રક્રિયામાં રાજ્ય અને સ્થાનિક સરકારી અધિકારી, સમાજ કલ્યાણ સંઘ સાથે અનેક વિભાગોનો સમાવેશ રહેશે.
વિધાનસભાની ચૂંટણીના કાળમાં આ યોજનાની રકમ રૂ. 1500 પરથી રૂ. 2100 કરાશે એવું આશ્વાસન મહાયુતિએ આપ્યું હતું. હવે તે પૂર્ણ કરવું પડશે. હમણાં સુધી 2 કરોડથી વધુ મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો છે, પરંતુ અનેક મહિલાઓએ આ યોજનાનો લાભ ખોટી રીતે લીધો છે એવું બહાર આવ્યું છે. આથી નવી સરકાર તેની તપાસ કરશે. આ યોજના પાત્ર મહિલાઓ સુધી જ પહોંચી રહી છે ને તેની સરકાર ખાતરી કરવા માગે છે. સહાય વિતરણમાં પારદર્શકતા લાવવા આ પ્રક્રિયા હાથ ધરાશે. નિવૃત્તિ વેતન પ્રાપ્ત કરતા હાય અથવા ફોર વ્હીલર હોય તેવા અરજદારોની તપાસ કરાશે. પાંચ એકરથી વધુ જમીન હોય તેઓ પણ અપાત્ર ઠરશે. એક કુટુંબમાં ફક્ત બે મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે. તપાસમાં ઓળખના પુરાવા, આવકના દાખલા અને દાખલ દસ્તાવેજોની તપાસ કરાશે.

અધિકારી લાભાર્થીઓના ઘેર જઈને તપાસ કરશે. મતદાર યાદી, આવકવેરાના રેકોર્ડ અથવા આધાર લિંક ડેટા સહિત સાથે તપાસ કરાશે. એમ સૂત્રોએ જણાવ્યું હતું.
