
કાયદાનું ઉલ્લંઘન કોઈ કાળે ચલાવી નહીં લેવાય એ વાત કાયદાનો અમલ કરનારાઓએ નાગરિકોના મનમાં ઠસાવી દેવી જરૂરી છે કે એમ બોમ્બે હાઇકોર્ટે અનધિકૃત મસ્જિદ તોડી પાડવામાં નિષ્ફળ જવા બદલ થાણે મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી જણાવ્યું છે.
ન્યાયમૂર્તિ એ. એસ. ગડકરી અને ન્યાયમૂર્તિ કમલ ખટાની ખંડપીઠે ૧૦ માર્ચે થાણા મહાનગરપાલિકાને રમઝાનનો પવિત્ર મહિનો પૂરો થયા પછી બે અઠવાડિયાની અંદર ગેરકાયદે માળખાને તોડી પાડવા અને ૧૪ એપ્રિલ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. ટોળાંના ઉગ્ર વિરોધને કારણે તોડકામની કામગીરી પૂર્ણ થઈ શકી ન હોવાની મહાનગરપાલિકાની દલીલ સ્વીકારવાનો અદાલતે ઇનકાર કર્યો હતો.

હાઇ કોર્ટે જણાવ્યું હતું કે લોકશાહી શાસનમાં કોઈ વ્યક્તિ / વ્યક્તિના જૂથ અથવા સંગઠનને તે દેશના કાયદાનું પાલન કરશે નહીં અને કોઈ પણ આધાર પર તેનો વિરોધ કરશે એમ કહેવાની મંજૂરી પણ નથી આપી શકાતી. જનતા દેશના કાયદાનું પાલન કરે એ કાયદાનો અમલ કરાવનારાઓની ફરજ છે. ખંડપીઠે ઉમેર્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન અને/અથવા રાજ્ય દ્વારા કાયદાનો અમલ કરવા સામેનો વિરોધ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે એ બાબત કાયદાનો અમલ કરનારાઓએ નાગરિકોના મનમાં ઠસાવી દેવી જરૂરી છે.
હાઇ કોર્ટે આ આદેશ એક પ્રાઈવેટ હાઉસિંગ કંપની ન્યૂ શ્રી સ્વામી સમર્થ બોરિવડે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે થાણે જિલ્લામાં તેની માલિકીની જમીન પર ગેરકાયદે અને અનધિકૃત રીતે એક મસ્જિદ અને પ્રાર્થના હોલ બનાવવામાં આવ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
