
મહાપાલિકા દ્વારા મુંબઈની વિવિધ ખાઉ ગલીઓ સહિત ઠેર ઠેર ગાર્બેજ ફ્રી અવર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બુધવારથી અમલ સાથે સોમવારથી શુક્રવારે સવારે 11થી બપોરે 1 વાગ્યા દરમિયાન આ ઝુંબેશ ચલાવવામાં આવશે, જેમાં ખાઉ ગલીઓ સાથે રેલવે સ્ટેશન વિસ્તાર, ધાર્મિક સ્થળો, બજારો, કમર્શિયલ વિસ્તારો, પર્યટન સ્થળો અને ગિરદીનાં સ્થળો ખાતે સામૂહિક સ્વચ્છતા ઝુંબેશનો અમલ કરવામાં આવશે.
એડિશનલ કમિશનર (શહેર) ડો. અશ્વિની જોશીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, જેનો તુરંત અમલ શરૂ કરાયો છે. જોશીએ જણાવ્યું કે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્ષેત્રીય કાર્યાલયો માટે 100 દિવસનો એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. તેમાં સ્વચ્છતા પર ભાર અપાયો છે. મહાપાલિકા ગત 55 અઠવાડિયાથી ડીપ ક્લીનિંગ ઝુંબેશ ચલાવી રહી છે. તેના ભાગરૂપે હવે સર્વ 24 પ્રશાસકીય વોર્ડમાં ગાર્બેજ ફ્રી અવર વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ થકી અમલમાં મૂકવામાં આવનારી આ ઝુંબેશમાં લોકપ્રતિનિધિઓ, ખ્યાતનામ વ્યક્તિ, સ્વયંસેવી સંસ્થાઓ, એનજીઓ, રાષ્ટ્રીય સેવા યોજના, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ, હાઉસિંગ સોસાયટીઓને પણ સામેલ કરવામાં આવશે.

ડો. જોશીએ જણાવ્યું કે આ ઝુંબેશ અંતર્ગત ખાઉ ગલીઓમાં સ્વચ્છતા પર વિશેષ ભાર અપાશે. મુંબઈમાં વિવિધ કાર્યાલયો તેમ જ પર્યટકોનો ગિરદી ધરાવતા વિસ્તારોમાં ખાઉગલીઓ છે. આ સર્વ વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. આ વિસ્તારોને કાયમના સ્વચ્છ રાખવા માટે સંબંધિતોને સૂચના આપવામાં આવશે. જો તેનું પાલન નહીં કરાય અથવા ઉલ્લંઘન કરાય તો કઠોર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ધૂળ, પાણી સાફ કરાશે
ઘનકચરા વ્યવસ્થાપનના ડેપ્યુટી કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું કે સંબંધિત વોર્ડના એન્જિનિયરોએ સમયપત્રક નક્કી કરવાનું રહેશે, જ્યાં સવારે 11 વાગ્યાથી સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે. વિસ્તારમાં જમા થયેલી ધૂળ, પાણીની જગ્યાઓ સ્વચ્છ કરાશે. ઉપરાંત રસ્તાઓ, ફૂટપાથ, દીવાલો વગેરે પણ સ્વચ્છ કરાશે. ખાસ કરીને જમા અને દુર્લક્ષિત કચરો, બાંધકામનો કાટમાળ અગ્રતાથી ભેગા કરાશે. ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓ જેવી ગીચ વસતિ ધરાવતા રસ્તાઓ અને ગલીઓ સ્વચ્છ કરાશે. લાવારિસ વાહનો પર કાર્યવાહી કરાશે. પાર્કિંગ કરેલાં વાહનોની નીચેથી પણ કચરો કાઢવામાં આવશે.

લાવારિસ વસ્તુઓનો નિકાલ કરાશે
જો રસ્તાઓ પર લાવારિસ વસ્તુઓ, ભંગાર હોય તો તે દૂર કરાશે. રસ્તાઓ, ડિવાઈડર, જાહેર દીવાલો પરની ધૂળ અને થૂંકેલી જગ્યાઓ, પત્રકો, સ્ટિકર અથવા દીવાલચિત્રો સ્વચ્છ કરાશે. ફૂટપાથ અને ડિવાઈડરના પથ્થરોને સંપૂર્ણ સ્વચ્છ કરાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું. સ્વચ્છતા સાથે માર્શલો તહેનાત કરાશે. નિયમ તોડશે તેમની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહગી કરાશે. સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા પથનાટિકા, ફ્લેશ મોબ, લોકકળા રજૂ કરાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
