
દક્ષિણ મુંબઈના નાગપાડામાં એક ઈમારતમાં પાણીની ટાંકીની સફાઈ માટે ટાંકીમાં ઉતરેલા ચાર કામદારનું ગૂંંગળામણથી મોત થયું હતું. જ્યારે એક કામદાર ગંભીર અવસ્થામાં મળી આવ્યો હતો. શરૂઆતમાં આ કામદારો ટાંકીમાં બેભાન હોવાનું જણાવવામાં આવ્યું હતું પણ ફાયર બ્રિગેડે આ પાંચેયને બહાર કાઢી જે.જે. હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરો ચારને મૃત ઘોષિત કર્યા હતા. જ્યારે એક કામદાર બેભાન છતાં જીવિત હોવાથી તેની સારવાર શરૂ કરી હતી.
હજુ તો બની રહેલી બિલ્ડિંગની ટાંકીની સફાઈ માટે કામદારોને બોલાવાયા હતાઃ ટાંકીમાંથી બેભાન મળેલો એક યુવક સારવાર હેઠળ છે

આ સંદર્ભે ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યાનુસાર બપોરે સાડા બાર વાગ્યે દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાં ડિમટીમકર રોડ પર આવેલી નિર્માણાધીન ઈમારત બિસ્મિલ્લાહ સ્પેસમાં પાણીની ટાંકીની સફાઈ માટે પાંચ કોન્ટ્રાક્ટ પરના કામદારને બોલાવામાં આવ્યા હતા. આ લોકો ટાંકીમાં ઉતર્યા બાદ બેભાન બની ગયા હતા.
આ લોકો તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા કન્સ્ટ્રકશન સાઈટ પરના લોકોએ તરત જ આ વાતની જાણ ફાયર બ્રિગેડને કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો સાથે જ સ્થાનિક પોલીસ અને પાલિકાના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાંચેય કામદારોને બહાર કાઢી જે.જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના ડોક્ટરોએ ચાર કામદારોને મૃત ઘોષિત કર્યા હતા. જ્યારે એક કામદારની પ્રકૃતિ અત્યંત ગંભીર હોવાનું જણાતા તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
મૃતકોમાં હસીપાલ શેખ (૧૯) રાજા શેખ (૨૦), જીયાઉલ્લા શેખ (૩૬) અને પુરહાલ શેખ (૩૧)નો સમાવેશ થાય છે. આ ઘટના બાદ જે.જે. માર્ગ પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ પાંચેયને ટાંકી સાફ કરવા કોણે બોલાવ્યા હતા અને તેમને સુરક્ષાના ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા હતા કે નહીં તેની પણ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોનુસાર આ પ્રકરણે તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાની તપાસમાં પોલીસ સાથે પાલિકા અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ જોડાયા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
