
ભાયખલા ખાતેના રાણીબાગની નજીક આવેલી 10 એકર જમીન પર મહાપાલિકા એક્ઝોટિક ઝૂ ઊભું કરવામાં આવશે. એમાં પર્યટકોને જિરાફ, ઝેબ્રા, ગોરીલા જેવા વિદેશી પ્રાણીઓને હરતાફરતા જોવા મળશે. દક્ષિણ કોરિયાથી લાવેલા પેંગ્વિને પર્યટકોના મત જીતી લીધા છે અને એના લીધે મહાપાલિકાના મહેસૂલમાં પણ વધારો થયો છે. તેથી રાણીબાગ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયની નજીક જ એક્ઝોટિક ઝૂ ઊભું કરીને પર્યટકોને વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉપલબ્ધ કરી આપવાનો મહાપાલિકાનો વિચાર છે.
મુંબઈ સહિત દેશવિદેશના પર્યટકો મુંબઈ આવે એટલે રાણીબાગની મુલાકાત લે છે. શનિવાર, રવિવાર અને રજાના દિવસે રાણીબાગમાં પર્યટકોની ઘણી ગિરદી થાય છે. છેલ્લા એક વર્ષમાં રાણીબાગ મુંબઈમાં સૌથી વધુ પસંદગીના સ્થળ તરીકે સ્થાન પામ્યું છે. એમાં હવે રાણીબાગના આધુનિકીકરણનું કામ છેલ્લા થોડા વર્ષથી ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

મફતલાલ સંસ્થાની 10 એકર જમીન :
રાણીબાગની નજીક મફતલાલ સંસ્થાની 10 એકર જમીનની માલિકી હવે મહાપાલિકાને મળી છે. ત્યાં જિરાફ, ઝેબ્રા, ગોરીલા જેવા વિદેશી પ્રાણીઓના સમાવેશવાળું એક્ઝોટિક ઝૂ ઊભું કરવામાં આવશે. એના માટે જરૂરી તમામ પરવાનગીઓ કેન્દ્ર સરકાર તરફથી મળી છે. શરૂઆતમાં પ્રાણી અને પક્ષીઓ માટે નિવાસ ઊભા કરવામાં આવશે અને એ પછી ઝૂ ઊભું કરવામાં આવશે. જોકે એના માટે અંદાજે અઢીથી ત્રણ વર્ષ લાગશે એવી માહિતી રાણીબાગના સંચાલક ડો. સંજય ત્રિપાઠીએ આપી હતી.
પેંગ્વિનથી મહેસૂલમાં વધારો :
દક્ષિણ કોરિયાથી 2016માં લાવેલા પેંગ્વિનના કારણે પર્યટકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. પેંગ્વિન માટે વિશેષ કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. મહાપાલિકા તરફથી એનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે છે. પેંગ્વિને પર્યટકોના મન જીતી લીધા છે અને એમને જોવાનો મોહ આબાલવૃદ્ધ સૌને છે. પેંગ્વિનના કારણે મહાપાલિકાના મહેસૂલમાં ઘણો વધારો થયો છે. તેથી પેંગ્વિનને મળતો પ્રતિસાદ બીજા પ્રાણીઓને પણ મળશે એમ વિચાર કરીને એક્ઝોટિક ઝૂ ઊભું કરવાનો વિચાર મહાપાલિકાને છે.

નવું એક્વેરિયમ, સ્નેકપાર્ક :
રાણીબાગમાં નવું એક્વેરિયમ અને સ્નેકપાર્ક પણ ઊભું કરવામાં આવશે. જૂના સ્નેકપાર્કનું નૂતનીકરણ કરીને 500 સ્કવેર ફૂટ જગ્યામાં સુસજ્જ સ્નેકપાર્ક ઊભું કરવામાં આવશે. એના માટે જરૂરી કલેક્શન અને લે આઉટ પ્લાન સહિત તમામ બાબતો માટે પરવાનગી મળી છે. 5 હજાર સ્કવેર ફૂટ જગ્યામાં એક્વેરિયમ ઊભું કરવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારના કેન્દ્રિય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ તરફથી હજી પરવાનગી આપવામાં આવી નથી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
