
બોરીવલી-વેસ્ટના ગોરાઈ ડેપોની બેસ્ટ બસના ડ્રાઈવરે એક કાર ચાલક અને તેના બે સહયોગી ગુજરાતી યુવાનો સામે બસ અને કારની ટક્કરના મામલે ફરજમાં અવરોધ અને ગાળાગાળી કરવાના આરોપસર બોરીવલી પોલીસ સ્ટશેનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ ઘટનામાં યુવાનો સામે એકતરફી કાર્યવાહી કરી અને પોલીસે મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં રાખી દમદાટી આપી અને તેમની ફરિયાદ નહીં નોંધવાનો મામલો બહાર આવ્યો છે.
ફરિયાદ અનુસાર ગોરાઈ ડેપોની બેસ્ટ બસ નંબર 240નો રૂટ બોરીવલીના શાંતિ આશ્રમથી કાંધારપાડાનો છે. આ બસ 6 ડિસેમ્બરે સાંજે 7.40 કલાકે એલટી રોડ, પંજાબી ગલી, મનુભાઈ જ્વેલર્સ નજીકથી વ્યસ્ત રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક કાર ચાલકે બસની ડાબી બાજુથી પસાર થઈ બસને ઘસડાઈને આગળ નીકળી હતી અને એ પછી કારમાં સવાર યુવાનોએ બસના ડ્રાઈવર કે જે બેસ્ટ બસમાં કોન્ટ્રાક્ટથી ફરજ બજાવતા 36 વર્ષના પ્રહલાદ પવારની સાથે ગાળાગાળી અને હાથાપાઈ કરી કાર બસના રસ્તાની આડમાં રાખી સરકારી ફરજમાં અવરોધ પેદા કરવાનો આરોપ કર્યો હતો. તે દરમિયાન બસનો કાચ અને વાઈપર તોડી નાખ્યા હતા.

પોલીસે આ મામલે સાર્વજનિક સંપત્તિને નુકસાન સહિતની કલમો હેઠળ દરિસરના આનંદનગરમાં રહેતા ભાઈઓ નિલ અને હર્ષ ગોસલિયા, અમદાવાદ રહેતા મિત્ર ઝીલ શેઠ સામે એફઆઈઆર નોંધી છે. આ ઘટના મામલે જેમની પર આરોપ મૂકવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે હજુ 5 દિવસ પહેલાં જ નવી લીધેલી કાર ટાટા કર્વમા અમે ત્રણ જણ સવાર હતા અને અમારી કાર મનુભાઈ જ્વેલર્સ પાસે ઊભી હતી. એ દરમિયાન બસના ચાલકે કારને જમણી બાજુથી ઘસડીને ટક્કર મારી આગળ નીકળી ગઈ, અમે તેને રોકવા માટે કહ્યું પરંતુ તે આગળ નીકળી ગઈ. આથી અમે તેને રોકવા અને કારનો ફોટો લેવા માટે બસની આગળ અમારી કાર ઊભી રાખી હતી. બસ ડ્રાઈવર ગુસ્સે થયો અને અમારી સાથે જીભાજોડી કરી અને ગાળાગાળી પર ઊતરી આવ્યો હતો, અમે પોલીસ સ્ટેશનમાં ગયા, પરંતુ અમારી રજૂઆત સાંભળી નહીં અને ફરિયાદ પણ નોંધી નહીં.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
