ઘાટકોપર વેસ્ટમાં આવેલી કૈલાસ એવેન્યુ હાઉસિંગ સોસાયટીમાં જૈન સાધુઓના ચાતુર્માસ દરમિયાન સ્વાગત માટે આ ઈમારત પરિસરમાં દોરવામાં આવેલા સફેદ કલરના પટ્ટાને લઈને વિવાદ ઊભો થયો છે. આ સામાન્ય ધાર્મિક મુદ્દે જૈન સમુદાય સાથે એક સોશિયલ મિડિયા ઇન્ફ્લુએન્સર પ્રસાદ વેદપાઠકે આ રેખાનો વિરોધ નોંધાવ્યો છે. જૈન સમુદાયના જણાવ્યા અનુસાર ચોમાસાના ચાર મહિના દરમિયાન જૈન સાધુ- સાધ્વીઓ એક જ સ્થળે નિવાસ કરે છે, જેને ‘ચાતુર્માસ’ કહેવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન સાધુઓ ઉપાશ્રય નજીકના જૈન પરિવારોના ઘરે ભિક્ષા લેવા જાય છે. તેમના ચાલવા માટે સોસાયટીના પરિસરમાં સફેદ કલરના પટ્ટા દોરવામાં આવ્યા છે. સમુદાયનું કહેવું છે કે ચોમાસામાં પરિસરમાં પર શેવાળ જમા થવાને કારણે પગ લપસવાની શક્યતા રહે છે અને આવા પટ્ટા સાધુઓને સુરક્ષિત રીતે ચાલવામાં મદદરૂપ બને છે. વળી, ગરમીના કારણે ખુલ્લા પગે ચાલતા આ મહાત્માઓને ધોમધખતા તાપમાં ચાલવામાં રાહત રહે તે માટે આ વર્ષોથી ચાલતી આવતી ધાર્મિક પ્રક્રિયા છે. એમા કોઈને નુકસાન થવાની કોઈ શક્યતા નથી.

જૈન સમાજના સભ્યોએ સ્પષ્ટતા કરી કે આ રેખાઓ સોસાયટી કમિટીની લેખિત મંજૂરી બાદ જ દોરવામાં આવી છે અને દર વર્ષે ઘાટકોપરના અનેક વિસ્તારોમાં આવું કરવામાં આવે છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, આ કોઈ પર ધર્મ લાદવાનો પ્રયાસ નથી, પરંતુ માત્ર સાધુઓની સુવિધા અને જીવદયા સાથે જોડાયેલી પરંપરા છે.
બીજી તરફ સોશિયલ મિડિયા ઇન્ફ્લુએન્સર પ્રસાદ વેદપાઠકે આ સફેદ રેખાનો વિરોધ કરતાં કહ્યું કે જાહેર જગ્યાએ કાયમી પ્રકારની આવી નિશાની દોરવી યોગ્ય નથી. તેમણે દાવો કર્યો કે સોસાયટીમાં આવેલી જમીન તેમના પરિવાર સાથે સંકળાયેલી છે અને આ રેખા તાત્કાલિક દૂર કરવી જોઈએ. તેમણે સોસાયટી કમિટી અને સ્થાનિક વહીવટીતંત્ર પાસે કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે. આ ઈમારતના એક રહેવાસીએ જણાવ્યું કે આ સોસાયટી વર્ષોથી બનેલી છે અને સોસાયટી પર કોઈ એકનો હક લાગુ થતો નથી. આથી હવે વિવાદને કોઈ સ્થાન નથી.
ગોરેગાવ સ્થિત જૈન સમાજના અગ્રણી અરવિંદ સાવલાએ જણાવ્યું છે કે, સામાન્ય બાબતે બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવો યોગ્ય નથી. લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તેઓએ જણાવ્યું કે, જેમ રસ્તાઓ પર ટ્રાફિક માટે સફેદ પટ્ટા દોરવામાં આવે છે તેમ આ પણ માત્ર વ્યવસ્થાનો ભાગ છે. જૈન મહાત્માઓ આ ધોમધખતા તાપ વચ્ચે ખુલ્લા પગે ગોચરી (ભિક્ષા) માગવા એકથી બીજી સોસાયટીમાં જાય છે. આ સાધુ-સંતોની રક્ષા કરવી એ આપણી સંસ્કૃતિ અને ફરજ છે. આ સમગ્ર મામલે સોશિયલ મિડિયા પર વધતી ચર્ચાઓને કારણે વાતાવરણ ગરમાયું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
