મહારાષ્ટ્રમાં એનસીપીના બળવા બાદ અજિત પવાર જૂથ તથા શરદ પવાર જૂથ દ્વારા પોતાની સાથે કેટલા ધારાસભ્યો છે તે બાબતે જુદા જુદા દાવા થઈ રહ્યા છે પરંતુ આવતીકાલે બંને જૂથોએ અલગ અલગ બેઠક બોલાવતાં તેમાં ખરેખર કોના જૂથમાં કેટલા ધારાસભ્યો તથા અન્ય સમર્થકો છે તેનાં બળાબળનાં પારખાં આવતીકાલે થઈ જાય તેવી સંભાવના છે. જોકે, આ બેઠકોમાં હાજરી અલગ વાત છે અને ધારાગૃહોમાં કોણ ખરેખર કોની તરફે કે વિરુદ્ધમાં મતદાન કરે છે તે અલગ વાત છે અને ધારાકીય કે કાનૂની જંગમાં ગૃહમાં હાજરી  તથા મતદાન જેવી બાબતે જ ફેંસલો થાય છે. પરંતુ, તેમ છતાં આવતીકાલની બેઠકોને બંને જૂથોનાં જાહેર પ્રજા સમક્ષ શક્તિ પ્રદર્શન તથા એકબીજાના જૂથોના પડકાર તરીકે જોવામાં આવી રહી છે. 

અજિત પવારે રવિવારે પોતાના આઠ સમર્થક ધારાસભ્યો સાથે એકનાથ શિંદેના વડપણ હેઠળની સરકારમાં જોડાયા બાદ એવો દાવો કર્યો હતો કે એનસીપીના તમામ ૫૩ ધારાસભ્યો મારી સાથે છે. તેમના જણાવ્યા અનુસાર ચૂંટાયેલી પાંખના તમામ ધારાસભ્યો, મોટાભાગના  સાંસદો અને સંગઠનના નેતાઓ પણ તેમની  સાથે છે અને તેમનો પક્ષ જ અસલી એનસીપી છે. જોકે, શરદ પવાર જૂથ આ દાવો ફગાવી રહ્યું છે. શરદ પવાર જૂથના દાવા અનુસાર અજિત પવારને ૧૩થી વધારે ધારાસભ્યોનું સમર્થન નથી. 

શરદ પવારે આવતીકાલે બપોરે દક્ષિણ મુંબઈના વાય.બી. ચવાણ સેન્ટરમાં બપોરે એક વાગ્યે તમામ ધારાસભ્યો, સાંસદો તથા સંગઠનના પદાધિકારીઓની બેઠક  બોલાવી છે. બીજી તરફ અજિત જૂથ દ્વારા બાન્દ્રામાં મુંબઈ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે સવારે ૧૧ વાગ્યે પોતાના તમામ ધારાસભ્યો, સાંસદો તથા પક્ષના પદાધિકારીઓની બેઠક યોજી છે. 

મહારાષ્ટ્ર વિધાનસભા કુલ ૨૮૮નું સંખ્યાબળ ધરાવે છે તેમાંથી એનસીપીના કુલ ૫૩ ધારાસભ્ય છે. જો અજિત પવાર જૂથે પક્ષાંતર વિરોધી ધારાની જોગવાઈથી બચવું હોય તો તેમને ૩૬ ધારાસભ્યોનું સમર્થન હોવું જરૃરી છે. 

અજિત  પવાર જૂથના દાવા અનુસાર તેઓ રવિવારે શપથ વિધિ પહેલાં રાજ્યપાલને મળ્યા ત્યારે તેમની પાસે ઓલરેડી ૩૬ ધારાસભ્યોની સહી સાથેનો સમર્થનનો પત્ર હતો. બીજી તરફ શિંદે સરકારમાં ભાગીદાર ભાજપના પ્રદેશ પ્રમુખ ચન્દ્રશેખર બાવનકુળેનાં નિવેદન અનુસાર અજિત જૂથ પાસે એનસીપીના ૪૦ ધારાસભ્યોનો ટેકો છે.  શરદ પવાર જૂથના દાવા અનુસાર અજિત સહિતના શપથ લેનારા નવ ધારાસભ્યો સિવાયના અન્ય ધારાસભ્યો શરદ પવારને વફાદાર છે. તે દિવસે રાજ ભવનમાં અજિત સાથે દેખાયેલા સરોજ આહિરે , પ્રજાક્ત તાનપુરે તથા સુનિલ ભુસારા એ પછી શરદ પવારને મળીને તેમને પોતાનો ટેકો જાહેર કરી ચૂક્યા છે. સંસદ સભ્ય અમોલ કોલ્હે પણ રાજભવનમાં અજિત પવાર સાથે દેખાયા હતા પરંતુ બાદમાં તેમણે શરદ પવારને સપોર્ટ જાહેર કર્યો હતો. 

એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ દાવો કર્યો હતો કે અજિતને ૧૩ ધારાસભ્યોનું જ સમર્થન છે.  બીજી તરફ અવિભાજિત એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત  પાટિલે કહ્યું હતું કે તમામ ધારાસભ્યો અમારી સાથે જ છે અને તમને કાલે  સત્યની જાણ થઈ જશે. જયંત પાટિલે કહ્યું હતું કે ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત  સંગઠનના તમામ હોદ્દેદારો, જુદા જુદા સેલના પ્રમુખો, જિલ્લા પ્રમુખો, કારોબારી સભ્યો, તાલુકા સ્તરના ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો, સાંસદો આ બધાને આવતીકાલની બેઠકમાં હાજરી આપવા જણાવાયું છે. 

શરદ પવારનાં જૂથ દ્વારા અજિત પવાર તથા તેમની સાથે શપથ લેનારા આઠ ધારાસભ્યોને અપાત્ર ઠેરવવાની માગણી કરતી દરખાસ્ત વિધાનસભાના સ્પીકરને મોકલી આપવામાં આવી છે. તેનાં વળતાં પગલાં તરીકે અજિત પવાર જૂથ દ્વારા જયંત પાટિલ તથા શરદ પવાર જૂથ વતી નવા વિપક્ષી નેતા તરીકે  નિયુક્ત કરાયેલા જિતેન્દ્ર અવ્હાડને ગેરલાયક ઠેરવવાની માગણી કરતી અરજી સ્પીકરને મોકલી આપવામાં આવી છે. 

શરદ પવારે આ બળવા સંદર્ભમાં અજિત સહિતના ધારાસભ્યો સામે કાનૂની કાર્યવાહી તથા ખાસ તો પક્ષાંતર વિરોધી ધારાની જોગવાઈ સંદર્ભમાં કાનૂની મસલતો પણ શરૃ કરી દીધી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us