સાયબર ગુનેગારોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. મુલુંડ (વેસ્ટ)ના જટાશંકર ડોસા રોડ વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય નિવૃત્ત મહિલા સર્યુ કરાંડે સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી ‘ડિજિટલ અરેસ્ટ’નો શિકાર બન્યા છે. સીબીઆઈ (CBI) અને બેંક અધિકારી હોવાની ખોટી ઓળખ આપી, મની લોન્ડરિંગ કેસમાં જેલહવાલે કરવાની ધમકી આપીને ઠગોએ વૃદ્ધા પાસેથી રૂ. ૩૯ લાખ પડાવી લીધા છે. આ અંગે ઈસ્ટઝોન સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ધરપકડનો ડર અને ડિજિટલ અરેસ્ટ
ઘટનાની વિગત મુજબ, ગત ૧૩ જુલાઈના રોજ સર્યુબેનને એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે બેંક અધિકારી હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમનું બેંક એકાઉન્ટ મની લોન્ડરિંગના મોટા કેસમાં સંડોવાયેલું છે. જો તેઓ તપાસમાં સહકાર નહીં આપે તો તેમની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ ૧૪ જુલાઈના રોજ ઠગ ભગતોએ વિડીયો કોલ કર્યો હતો, જેમાં બેકગ્રાઉન્ડમાં પોલીસનો લોગો અને પોતાના નકલી આઈડી કાર્ડ બતાવીને વૃદ્ધાનો વિશ્વાસ જીત્યો હતો.

RBI અને સુપ્રીમ કોર્ટના નામે નકલી દસ્તાવેજ મોકલ્યા
ગઠિયાઓએ ઓનલાઈન વિડીયો કોલ મારફતે જ સર્યુબેનને સતત નજર કેદ (ડિજિટલ અરેસ્ટ) રાખ્યા હતા. તેમણે આરબીઆઈ (RBI) અને સુપ્રીમ કોર્ટના નામના બોગસ કાગળો મોકલીને સંપત્તિ જપ્ત કરવાની ધમકી આપી હતી. ડરી ગયેલા સર્યુબેન પાસેથી તેમની એફડી (FD), બચત ખાતાની તમામ માહિતી મેળવીને ગઠિયાઓએ પોતાના અલગ-અલગ બેંક ખાતાઓમાં રૂ. ૩૯ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
બેંકમાં ચક્કર આવ્યા અને સત્ય સામે આવ્યું
૧૭ જુલાઈના રોજ વધુ એક કોલ આવ્યો હતો અને સામે વાળાએ પોતે સીબીઆઈ અધિકારી છે તેમ કહીને વધુ પૈસાની માંગણી કરી હતી. સતત ચાલતા વિડીયો કોલ અને ધમકીઓથી સર્યુબેન અને તેમના પતિ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. ગઠિયાઓની માંગ પૂરી કરવા સર્યુબેન ઉતાવળે બેંક પહોંચ્યા હતા, પરંતુ સતત માનસિક ત્રાસના કારણે તેમને બેંકમાં જ ચક્કર આવી ગયા હતા.

બેંક કર્મચારીએ દયા દાખવીને તેમની પૂછપરછ કરતાં જ સર્યુબેને આખી આપવીતી જણાવી હતી. બેંક અધિકારીને તુરંત સાયબર ફ્રોડ હોવાની શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. સાયબર પોલીસે તપાસ કરતાં વૃદ્ધા સાથે રૂ. ૩૯ લાખની મોટી છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
