મુંબઈ અને નવી મુંબઈમાં હાઈ-રાઈઝ (બહુમાળી) ઈમારતો માટે સિવિલ એવિયેશન (નાગરિક ઉડ્ડયન) મંજૂરી મેળવવામાં ડેવલપર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઈમારતોની ઊંચાઈ માટે જરૂરી NOC આપતા ઓનલાઈન પોર્ટલ NOCAS (No Objection Certificate Application System) માં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે મહિનાથી સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી. આ ટેકનિકલ ધાંધિયાના લીધે ૫૦૦થી વધુ પ્રોજેક્ટ્સની દરખાસ્તો પેન્ડિંગ પડી રહી છે, જેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રના પ્રોજેક્ટ ટાઈમલાઈન પર ગંભીર અસર પડી છે.
દિવાળીના શુભ મુહૂર્તે પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાની યોજના પાણીમાં ગઈ
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દિવાળીના તહેવારો દરમિયાન નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગ અને માર્કેટિંગ માટે ભારે ઉત્સાહ રહેતો હોય છે. પરંતુ વિમાની મંજૂરી (Civil Aviation Clearance) મેળવવામાં થયેલા વિલંબના કારણે મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) ના બિલ્ડરો દિવાળીના આ શુભ ગાળામાં પોતાના હાઈ-રાઈઝ પ્રોજેક્ટ્સ લોન્ચ કરી શક્યા નથી. ઓનલાઈન સિસ્ટમ બંધ રહેતા અરજીઓની પ્રક્રિયા આગળ વધી શકી નહોતી.

સિસ્ટમ પુનઃશરૂ થઈ, પરંતુ પેન્ડિંગ કામોનો મોટો પહાડ ઊભો થયો
અહેવાલો મુજબ, ગુરુવાર (૨૯ ઓક્ટોબર) થી NOCAS પોર્ટલ ફરીથી કાર્યરત થઈ ગયું છે અને અરજીઓની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ થઈ છે. તેમ છતાં, બે મહિના લાંબા આ સિસ્ટમ બ્રેકડાઉનને કારણે ઊભા થયેલા પેન્ડિંગ કામોના કારણે ડેવલપર્સમાં હજુ પણ ચિંતાનો માહોલ છે.
દેશના સૌથી મોટા અને સક્રિય રિયલ એસ્ટેટ માર્કેટ ગણાતા મુંબઈ અને નવી મુંબઈમાં આટલા લાંબા સમય સુધી મહત્વની મંજૂરીઓ શા માટે અટકાવાઈ તે અંગે બિલ્ડરો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



