વિલેપાર્લેમાં ગટર અને ફૂટપાથ નિર્માણનો મ્હાડાનો કોન્ટ્રાક્ટ મેળવનારા ઘાટકોપરના એક બિલ્ડર પાસેથી રૂ. 25 લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. બાંદ્રાની એક નામાંકિત ફાઈવ સ્ટાર હોટેલમાં ફિલ્મી ઢબે છટકું ગોઠવીને ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ની ટીમે અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા ગેંગસ્ટર ઝુલ્ફીકાર બેહલીમ, તેના ભાઈ મોહસીન અને અન્ય 10 સાગરીતો સહિત કુલ 12 જણાને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ટેન્ડર ન મળતા ગેંગસ્ટરના નામે ધમકી આપી
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદી બિલ્ડરને વિલેપાર્લેમાં મ્હાડાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કામ માટે આરોપીઓ પૈકીના એકે પણ ટેન્ડર ભર્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટ ન મળતા આરોપીએ ખાર ખાઈને ગૅન્ગસ્ટર ઝુલ્ફીકારના નામે બિલ્ડર પાસે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો રકમ ન આપે તો ‘ગેમ કરી નાખવાની’ (જાનથી મારી નાખવાની) ચીમકી આપવામાં આવી હતી.

ડમી નોટોથી ગોઠવાયું છટકું
ધમકીથી ગભરાયેલા બિલ્ડરે બુધવારે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર સચિન પુરાણિકની આગેવાની હેઠળ યોજના બનાવવામાં આવી. બિલ્ડરને ડુપ્લિકેટ (ડમી) નોટો ભરેલી બેગ આપીને બાંદ્રાની ફાઈવ સ્ટાર હોટેલના કૅફેટેરિયામાં મોકલવામાં આવ્યો હતો.
સોમવારની રાત્રે ગેંગસ્ટર ઝુલ્ફીકાર, તેનો ગુનાહિત ઈતિહાસ ધરાવતો ભાઈ મોહસીન, અજય યાદવ, અનવર ફારુકી, રિયાઝ શેખ, મોહમ્મદ આસીફ ખાન અને મોહમ્મદ કલીમ સૈયદ સહિતની આખી ટોળકી પૈસા સ્વીકારવા આવી પહોંચી હતી. જેવા તેમણે પૈસા લીધા કે તુરંત જ સાદા ડ્રેસમાં તૈનાત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમને ચારેય બાજુથી ઘેરીને ઝડપી લીધા હતા.
પોલીસની હાજરીમાં પણ ધમકી આપી!

ઝડપાઈ ગયા બાદ ધૂંધવાયેલા ગેંગસ્ટર ઝુલ્ફીકારે પોલીસની હાજરીમાં જ બિલ્ડરને ‘કામ તમામ કરી નાખવાની’ ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે ઝુલ્ફીકાર અગાઉ ‘મોકા’ (MCOCA) જેવા ગંભીર કાયદા હેઠળ જેલ જઈ ચૂક્યો છે અને હાલ જામીન પર બહાર હતો.
આ મામલે મધ્યરાત્રીએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અદાલતે તમામ 12 આરોપીઓને 31 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચ હવે આ ટોળકીના અન્ય ગુનાહિત નેટવર્ક અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
