મુશ્કેલીઓ ક્યારેય મુહૂર્ત જોઈને નથી આવતી, આથી કોઈને મદદ કરવા માટે મુહૂર્ત જોવાનું ના હોય; માનવતા મહોત્સવ તો ૩૬૫ દિવસ ઉજવવો જોઈએ – નમ્રમુનિ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૬મા જન્મદિવસ નિમિત્તે ઘાટકોપર ખાતે બે દિવસીય ‘માનવતા મહોત્સવ’ આધ્યાત્મિક ભક્તિ, કલ્યાણકારી મંત્રજાપ અને ખાસ કરીને સેવા તથા માનવતાના ભાવ સાથે ઉજવાયો હતો. પ્રથમ દિવસે જન્મદિવસના સાચા અર્થ પર પ્રકાશ પાડતાં પરમ ગુરુદેવે જણાવ્યું હતું કે જન્મદિવસ આપણને જીવનમાં ક્યારે આવ્યા તેની સાથે એક દિવસ અહીંથી જવાનું પણ છે તેની યાદ અપાવે છે. તેથી જન્મદિવસ માત્ર ઉજવણી નહીં પરંતુ આત્મચિંતનનો દિવસ હોવો જોઈએ.
આ અવસરે દિનેશભાઈ મોદી પરિવાર દ્વારા ૫૬ દિવ્યાંગજનોને ઈબાઇક તેમજ સર્વમંગલ ટ્રસ્ટના મનુભાઈ શાહ દ્વારા ચાર કાર અર્પણ કરવામાં આવી હતી.

‘માનવતા મહોત્સવ અને મંત્ર ઉત્સવ’માં અમેરિકા, દુબઈ, સિંગાપોર, લંડન, મલેશિયા, જર્મની, નાઇરોબી આદિ વિદેશના અનેક ક્ષેત્રોના ભાવિકો અને ભારતભરના શ્રી સંઘો, અનેક સંસ્થાઓ પ્રત્યક્ષ તેમજ લાઇવના માધ્યમે ઉપસ્થિત હતા ત્યારે લુક એન લર્નના બાળકોની શુભેચ્છા વંદના, નેહલબેન ગઢવી દ્વારા માનવધર્મને ઉજાગર કરતી રજૂઆત, પરમ ગુરુદેવ દ્વારા શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના મહાજાપ અને ખાસ તો દેશ-વિદેશ તથા વિશ્વભરના ૧૬ થી વધુ દેશો અને ૯૦થી વધુ શહેરોના હજારો બાળ આરાધકોએ ૭,૯૦,૦૦,૦૦૦ મંત્રજાપ કરીને તથા રોજેરોજ આ મંત્રજાપનો સંકલ્પ કરીને પરમ ગુરુદેવને જન્મદિવસની ગિફ્ટ આપી હતી. આ અવસરે પૂજ્ય મોરારી બાપુએ પરમ ગુરુદેવની ભાવવંદના કરતાં ગુરુદેવને પરમ તત્વ સાથે સરખાવીને પરમ તત્વને સમજવા કરતાં તેને માણી લેવાની ગહન વાત કરી હતી.





પરમ ગુરુદેવે માનવતાનો મર્મ સમજાવતાં કહ્યું હતું કે “બીજાને સુખી કરવાની, બીજાને ખુશ કરવાની મજા જ કંઈક અલગ હોય છે અને આ જ માનવતા મહોત્સવ છે.” તેમણે વધુમાં કહ્યું કે “મુશ્કેલીઓ ક્યારેય મુહૂર્ત જોઈને નથી આવતી, આથી કોઈને મદદ કરવા માટે મુહૂર્ત જોવાનું ના હોય.”

માનવતા મહોત્સવમાં ઇમરજન્સી વૈદકીય સહાય માટે ‘તપસમ્રાટ રતિ ગુરુ શાંતિદાતા સહાય યોજના’ અમુક ક્ષેત્રોના સંઘોમાં સફળ થયા બાદ અનેક સંઘોમાં શુભારંભની જાહેરાત થઈ હતી. જરૂરિયાતમંદ પરિવારની મુશ્કેલી અને તેને સ્વનિર્ભર બનાવવાના સંદેશ સાથે અર્હમ યુવા સેવા ગ્રુપની ભોજનસેવા, વૈદકીય સહાય, શિક્ષણ સહાય, જીવદયા, એનિમલ હોસ્પિટલ અને સ્વરોજગાર સહાય સહિતના વિવિધ સેવાકાર્યોની માહિતી આપવામાં આવી હતી.
પરમ ગુરુદેવે સ્પષ્ટ સંદેશ આપ્યો કે “આધ્યાત્મિક મંત્ર સિદ્ધ કરવાની સાથે માનવતાના મંત્રને સિદ્ધ કરો.” વિવિધ સેવાકાર્યો માટે યોજાયેલી કળશ ઉછામણી અંગે તેમણે કહ્યું કે આ ભેગું કરવા માટે નહીં, પરંતુ કોઈનું ભલું કરવા માટે છે. આ અવસરે પરમ ગુરુદેવે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવતી મદદ અંગે બોધ આપ્યો, જે કોઈને લાચાર નહીં પણ સ્વનિર્ભર બનાવે તેને સાચી મદદ કહેવાય.

આ અવસરે પરમ ગુરુદેવની વાણી, વિચાર અને વ્યક્તિત્વને આવરી લેતા ‘પરમ’ પુસ્તકનું વિમોચન થયું હતું તથા હાવડા ખાતે ગંગા કિનારે ‘અર્હમ ઓલ્વેસ કેર’ એનિમલ હોસ્પિટલની માહિતી આપવામાં આવી હતી. દીક્ષાર્થી જાનવી દીદીએ સંયમ માર્ગ પ્રત્યેની તેમની ભાવનાઓ વ્યક્ત કરી હતી.
આ અવસરે પરમ ગુરુદેવને વર્ષ ૨૦૨૭ના ચાતુર્માસ લાભ આપવા માટે અમદાવાદ સંઘ અને કોલકાતા વિનંતી કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં પરમ ગુરુદેવે આગામી ચાતુર્માસ અમદાવાદમાં સાબરમતી કિનારે અથવા તો બંગાળમાં ગંગા કિનારે આપવાની જાહેરાત કરી.

કળશ ઉછામણીનો લાભ અમદાવાદના શ્રી ભાવેશભાઈ હકાણી પરિવાર, અમદાવાદ; શ્રી જયેશભાઈ શાહ પરિવાર, અમદાવાદ; ગ્રેમ કંપનીના શ્રી મનનભાઈ શાહ – શ્રી ગગનભાઈ સિંઘ- શ્રી રાજભાઈ સિંઘ- શ્રી આશિષભાઈ શર્મા દ્વારા લેવામાં આવેલ. જ્યારે લાડવાનો લાભ શ્રી મંજયભાઈ શાહ પરિવાર અને શ્રી હેતલબેન શેઠ પરિવારે લીધેલ હતો.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૬મા જન્મદિવસ ઉપલક્ષ્યમાં માનવતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને ઉજવાયેલા બે દિવસીય માનવતા મહોત્સવનો સાર પરમ ગુરુદેવના બે બોધમાં સમાવિષ્ટ હતો. “આધ્યાત્મિક મંત્ર સિદ્ધ કરવા સાથે માનવતાના મંત્રને સિદ્ધ કરો. અને માનવતા મહોત્સવ ૩૬૫ દિવસ માટે ઉજવવો જોઈએ.”
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



