ઘાટકોપર-ઈસ્ટના રાયગડ ચોક વિસ્તારમાં આવેલી ‘શુભમ એવન્યુ’ સોસાયટીમાં ઈ-કોમર્સ કંપનીઓ બ્લિન્કઇટ (Blinkit) અને એમેઝોન (Amazon) દ્વારા ગેરકાયદેસર રીતે કમર્શિયલ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હોવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક રહીશોની ફરિયાદો બાદ ઘાટકોપરના ધારાસભ્ય પરાગ શાહ, ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા અને સ્થાનિક નગરસેવિકા રાખી જાધવે સંયુક્ત રીતે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું.
નિયમોના ઉલ્લંઘન બદલ BMC અને પોલીસમાં ફરિયાદ
સોસાયટીના પરિસરમાં ચાલતી આ કમર્શિયલ પ્રવૃત્તિઓના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ મળી હતી. નેતાઓની સ્પોટ-વિઝિટ દરમિયાન અહીં નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કિરીટ સોમૈયા અને પરાગ શાહે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીઓને સમગ્ર મામલાની નોંધ લઈ નિયમભંગ કરનાર કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની દરખાસ્ત કરી છે.

ડિલિવરી બોય્ઝની દાદાગીરી અને સુરક્ષા પર સવાલ: ધારાસભ્ય પરાગ શાહ
આ સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય પરાગ શાહે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે:
- કર્મચારીઓનું વેરિફિકેશન: અહીં કામ કરતા કર્મચારીઓનું યોગ્ય પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, જેના કારણે અહીં બંગલાદેશી ઘૂસણખોરો કામ કરતા હોવાની પ્રબળ શંકા છે.
- સ્થાનિકોની પરેશાની: આસપાસના રહીશો આ પ્રવૃત્તિઓથી ત્રાસી ગયા છે. ડિલિવરી બોય્ઝ દ્વારા રસ્તા પર આડેધડ વાહનોનું પાર્કિંગ કરવામાં આવે છે અને સ્થાનિકો સાથે ખુલ્લી દાદાગીરી કરવામાં આવે છે, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
- મંજૂરી વગરના સ્ટોર-રૂમ: મ્હાડા (MHADA) ના આ બિલ્ડિંગમાં ત્રણ બેઝમેન્ટ આવેલા છે, જ્યાં નિયમો વિરુદ્ધ સ્ટોર-રૂમ બનાવી દેવાયા છે. આ પ્રકારના ગોડાઉન કે સ્ટોર ચલાવવા માટે ફાયર બ્રિગેડ (Fire Approval) અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA Approval) ની મંજૂરી હોવી અનિવાર્ય છે, જેનો અહીં અભાવ જોવા મળ્યો છે.

એમેઝોનનું આઉટલેટ બંધ કરાવાયું
ધારાસભ્ય પરાગ શાહે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, વિરોધ અને તપાસની કાર્યવાહીના પગલે એમેઝોનનું આઉટલેટ તો ગઈ કાલે જ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ અને બાંધકામની તપાસ કરીને યોગ્ય પગલાં ભરવા માટે BMC તંત્રને પણ સૂચના આપી દેવામાં આવી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


