મુંબઈના મુલુન્ડ (પૂર્વ) વિસ્તારમાં નકલી પોલીસ બનીને વૃદ્ધોને નિશાન બનાવતી ગઠિયા ગેંગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુલુન્ડની એક સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા ૭૪ વર્ષના વૃદ્ધને રસ્તામાં રોકી, પોતે પોલીસ હોવાની ઓળખ આપી ગઠિયો તેમના ગળામાંથી ૧૩ ગ્રામ સોનાની ચેઈન અને વીંટી લઈને મોટરસાઈકલ પર રફુચક્કર થઈ ગયો હતો. આ અંગે નવઘર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરજ પૂરી કરીને ઘરે પરત ફરતા વૃદ્ધને આંતર્યો
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, મૂળ દીવા (પૂર્વ) ખાતે રહેતા ૭૪ વર્ષીય સતેન કલિયન મુલુન્ડ પૂર્વની એક હાઉસિંગ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ (વોચમેન) તરીકે કામ કરે છે. ગત ૨૦ સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જવા નીકળ્યા હતા.
દરમિયાન, મુલુન્ડ પૂર્વના ગવનપાડા વિસ્તાર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા બાઈકચાલકે તેમનો રસ્તો આંતરીને તેમને રોક્યા હતા.

‘તપાસ’ કરવાના બહાને દાગીના કઢાવી લીધા
અજાણ્યા શખ્સે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી. તેણે કલિયનને વાતોના વડામાં પરોવીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ, ગળામાં પહેરેલી સોનાની ચેઈન અને હાથની વીંટી ખરેખર સોનાની જ છે કે કેમ તે ચકાસવા (તપાસ કરવા)ના બહાને ઉતરાવી લીધી હતી.
વૃદ્ધ કલિયને પોતાના દાગીના તે વ્યક્તિના હાથમાં આપ્યા હતા. પરંતુ દાગીના હાથમાં આવતા જ અજાણ્યા શખ્સે તે પરત આપવાના બદલે પોતાની પાસે રાખી લીધા હતા.
શંકા જાય તે પહેલાં ગઠિયો બાઈક પર ફરાર
સામે ઉભેલી વ્યક્તિની હિલચાલ પર કલિયનને શંકા ગઈ અને તેઓ કઈ સમજે કે વિરોધ કરે તે પહેલાં જ નકલી પોલીસ બનેલો ગઠિયો સોનાની ચેઈન અને વીંટી (કુલ વજન ૧૩ ગ્રામ) લઈને પોતાની મોટરસાઈકલ પર સવાર થઈ પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ આઘાતમાં સરેલા વૃદ્ધે નવઘર પોલીસ સ્ટેશન પહોંચીને આપવીતી જણાવી હતી. પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે અજાણ્યા ગઠિયા વિરૂદ્ધ વિગતે ગુનો નોંધી, સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



