મુલુન્ડ (ઈસ્ટ) વિસ્તારમાં મોડી રાત્રે આંચકાજનક સ્નેચિંગની ઘટના સામે આવી છે. વિક્રોલી સ્થિત એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતી અને મુલુન્ડ (ઈસ્ટ)ની સોસાયટીમાં રહેતી પ્રાચી ભિંડર નામની યુવતી મોડી રાત્રે કામ પતાવીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો રિક્ષાની સીટ પર રાખેલો તેમનો રૂા. ૫૦,૦૦૦ ની કિંમતનો આઈફોન ઝૂંટવીને રફુચક્કર થઈ ગયા હતા. આ અંગે યુવતીએ નવઘર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
પતિ સાથે વાત કર્યા બાદ સીટ પર ફોન મૂક્યો ને બની ઘટના
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત ૨૩ સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યે પ્રાચી કંપનીમાંથી છૂટીને ઉબર (Uber) એપ મારફતે બુક કરેલી ઓટોરિક્ષામાં ઘરે જવા નીકળી હતી. રાત્રે ૧:૦૦ વાગ્યાના સુમારે તેમની રિક્ષા મુલુન્ડ (ઈસ્ટ)માં સિમેન્ટ યાર્ડ સામેથી પસાર થઈ રહી હતી. એ સમયે પ્રાચી પર તેમના પતિનો ફોન આવ્યો હતો. વાતચીત પૂરી કરીને તેમણે પોતાનો આઈફોન રિક્ષાની બાજુની સીટ પર જ મૂક્યો હતો.

હેલ્મેટ પહેરેલા બાઈક સવારો સીસીટીવીમાં શોધાશે
દરમિયાન, અચાનક પાછળથી પૂરપાટ ઝડપે એક મોટરસાયકલ આવી હતી. બાઈક પર બેઠેલા બે શખ્સોમાંથી પાછળ બેઠેલા શખ્સે ચાલુ રિક્ષામાંથી રિક્ષાની સીટ પર મુકેલો આઈફોન ઝૂંટવી લીધો હતો અને બંને અંધારાનો લાભ ઉઠાવીને નાસી છૂટ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી પ્રાચી ભારે ગભરાટમાં મુકાઈ ગયા હતા. બાઈક ચાલક અને પાછળ બેઠેલા શખ્સે હેલ્મેટ પહેરેલી હોવાના કારણે અને ભયના માહોલને લીધે યુવતી બાઈકનો નંબર કે આરોપીઓના ચહેરા જોઈ શકી નહોતી.
ઘટના બાદ તરત જ પ્રાચીએ નવઘર પોલીસ સ્ટેશન પહોંચીને આખી આપવીતી જણાવી હતી. પોલીસે ગુનો નોંધીને સિમેન્ટ યાર્ડ અને આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ ખંગાળીને ગુનેગારોની શોધખોળ આદરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



