ભાંડુપ (વેસ્ટ) વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મેડિકલ ક્લિનિક ચલાવીને નિર્દોષ દર્દીઓના જીવ સાથે ચેડાં કરતા બોગસ ડૉક્ટરો વિરુદ્ધ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૭ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના ‘S’ વોર્ડ આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. શનિવારે સાંજે પાડવામાં આવેલા દરોડા દરમિયાન બે અલગ-અલગ ક્લિનિકમાંથી ૩ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.
૫મી અને ૧૨મી પાસ ચલાવતા હતા ‘સંતોષ હેલ્થ ક્લિનિક’ મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ અને BMC ના મેડિકલ ઓફિસરોની સંયુક્ત ટીમે એલબીએસ (LBS) માર્ગ પર આવેલા ‘સંતોષ હેલ્થ ક્લિનિક’ પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી ૩૪ વર્ષીય મોહમ્મદ શેખ અને હુસેન શેખ નામના બે શખ્સો ઝડપાયા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ બંને આરોપીઓ બીજા જ કોઈ માન્ય ડૉક્ટરના નામનું બોગસ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વાપરીને દવાખાનું ચલાવતા હતા. શૈક્ષણિક લાયકાતની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંનેમાંથી એક માત્ર ૧૨મી પાસ અને બીજો માત્ર ૫મી પાસ છે! યોગ્ય મેડિકલ ડિગ્રી વગર જ તેઓ દર્દીઓને એલોપેથિક સારવાર આપતા હતા.

અન્ય ડૉક્ટરના સર્ટિફિકેટ પર ગુપ્ત રોગોની સારવાર આપતો હતો ઈમરાન ખાન ત્યારબાદ ટીમે ‘વિનાયક હેલ્થ ક્લિનિક’ પર દરોડો પાડીને ૪૦ વર્ષીય ઈમરાન ખાન નામના શખ્સની ધરપકડ કરી હતી. ઈમરાન પણ અન્ય માન્ય ડૉક્ટરના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોકોને ગુપ્ત રોગોની ગેરંટીડ સારવાર આપવાનો દાવો કરતો હતો.
એક્સપાયર્ડ અને ગેરકાયદેસર દવાઓનો જથ્થો જપ્ત કાર્યવાહી દરમિયાન બંને ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક અને આયુર્વેદિક એક્સપાયર્ડ (મુદત પૂરી થયેલી) તથા ગેરકાયદેસર દવાઓનો જથ્થો, પ્રચાર માટેના પેમ્ફલેટ્સ, મોબાઈલ ફોન અને વાંધાજનક સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ BMC ના મેડિકલ ઓફિસર ડૉ. સાયલી રાઠોડની સત્તાવાર ફરિયાદના આધારે ભાંડુપ પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય બોગસ ડૉક્ટરો વિરુદ્ધ ‘મહારાષ્ટ્ર મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ ૧૯૬૧’ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

