આઠ દિવસની ગુપ્ત તપાસ બાદ પોલીસે બોગસ ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું: ૮૦ હજારની ડમી નોટો સાથે મુખ્ય આરોપીની ધરપકડ, સગીરા સહિત ત્રણ યુવતીઓનો છુટકારો
સોશિયલ મીડિયાના માધ્યમથી દેહવ્યાપારનું નેટવર્ક ચલાવતી એક ગેંગનો ઘાટકોપર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર સર્વોદય હૉસ્પિટલ નજીક આવેલી એક જાણીતી રેસ્ટોરાંમાં છાપો મારીને બોઇસરની ૪૦ વર્ષીય દલાલ મહિલા ટીના કંસારાની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૧૭ વર્ષની એક સગીરા સહિત અન્ય બે યુવતીઓને મુક્ત કરાવી સુધારગૃહમાં મોકલી આપી છે.

સોશિયલ મીડિયાની જાહેરાત પરથી પોલીસને મળી કડી
આ સમગ્ર ઓપરેશન અંગે માહિતી આપતાં ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર દેહવ્યાપાર માટે સગીર વયની છોકરીઓ ઉપલબ્ધ હોવાની એક શંકાસ્પદ જાહેરાત ફરતી થઈ હતી. આ જાહેરાતમાં આપવામાં આવેલા મોબાઈલ નંબર પર પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઘાટકોપર અને તેની આસપાસના વિસ્તારોમાં યુવતીઓ અને સગીરાઓને સપ્લાય કરવામાં આવે છે.
આઠ દિવસનું ઓપરેશન અને રેસ્ટોરાંમાં છટકું
રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસની ટીમે ગ્રાહક બનીને આરોપી મહિલા સાથે સતત સાતથી આઠ દિવસ સુધી સંપર્ક જાળવી રાખ્યો હતો. વાતચીત દરમિયાન દલાલ મહિલાએ વૉટ્સઍપ પર યુવતીઓના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા અને સગીરા માટે ₹૩૫,૦૦૦ તેમજ અન્ય યુવતીઓ માટે ₹૪૫,૦૦૦ની માંગણી કરીને સોદો નક્કી કર્યો હતો.

સોદો પાક્કો થયા બાદ પોલીસે એક બોગસ ગ્રાહક તૈયાર કર્યો હતો અને આરોપી મહિલાને ઘાટકોપરની એક રેસ્ટોરાંમાં બોલાવી હતી. પહેલેથી ગોઠવાયેલી યોજના મુજબ, જેવી મહિલા ત્યાં પહોંચી કે તરત જ સાદા વેશમાં તૈનાત પોલીસ ટીમે દરોડો પાડીને તેને રંગેહાથ ઝડપી લીધી હતી.
મુદ્દામાલ જપ્ત અને આગળની તપાસ
પોલીસે ધરપકડ કરાયેલી આરોપી ટીના કંસારા પાસેથી ₹૮૦,૦૦૦ની ડમી નોટોનું બંડલ અને ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન કબજે કર્યો છે. રેસ્ક્યુ કરવામાં આવેલી ૧૭ વર્ષની ટીનેજર અને અન્ય બે યુવતીઓને સુરક્ષાના ભાગરૂપે સુધારગૃહમાં મોકલી આપવામાં આવી છે. હાલ પોલીસ આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અને અત્યાર સુધીમાં કેટલી યુવતીઓને આ રીતે ફસાવવામાં આવી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


