વેપારીએ એડિશનલ કમિશનરનો સંપર્ક કર્યો: ૭ દિવસના સઘન ઓપરેશન બાદ પાર્કસાઈટ પોલીસે ગોઠવ્યું છટકું
મુલુંડ-વેસ્ટના તાંબેનગરમાં રહેતા ૪૪ વર્ષીય કચ્છી વેપારી હિતેશ ગાલાને વિનયભંગના ખોટા કેસમાં ફસાવીને કેસ પતાવવાના બદલામાં ૧૫ લાખ રૂપિયાની ખંડણી માંગવાના પ્રકરણનો પર્દાફાશ થયો છે. આ મામલે પાર્કસાઈટ પોલીસે ૨૧ વર્ષીય નંદિની જયસવાલ સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી છે. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આ યુવતી અગાઉ પણ અન્ય ત્રણ લોકો સામે આવા જ ખોટા કેસ નોંધાવી ચૂકી છે.

શું હતી સમગ્ર ઘટના અને વિવાદની શરૂઆત?
આ કેસની વિગત મુજબ, ગત ૫ ઓગસ્ટે હિતેશ ગાલાએ નંદિની જયસવાલને પોતાની દુકાનના સેલ્સ કાઉન્ટર પર નોકરીએ રાખી હતી. થોડા દિવસો પછી નંદિનીએ માતાની બીમારીનું કારણ ધરીને વેપારી પાસેથી ૨૫,૦૦૦ રૂપિયા ઉધાર લીધા હતા. જ્યારે વેપારીએ આ રકમ તેના પગારમાંથી કાપી લેવાનું કહ્યું ત્યારે યુવતીએ વિવાદ શરૂ કર્યો હતો અને ૧૩ સપ્ટેમ્બરે મુલુંડ પોલીસ સ્ટેશનમાં વેપારી સામે વિનયભંગની ખોટી ફરિયાદ નોંધાવી દીધી હતી. આ કેસ રદ કરવા માટે ૨૨ સપ્ટેમ્બરથી આકાશ યાદવે વેપારીને ફોન કરીને ૧૫ લાખ રૂપિયાની માંગણી શરૂ કરી હતી અને પૈસા ન આપે તો અન્ય મોટા ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.
સ્થાનિક પોલીસની ઉદાસીનતા અને એડિશનલ કમિશનરની એન્ટ્રી
આ મામલે હિતેશ ગાલાએ સીધા ઈસ્ટર્ન સબર્બ્સના એડિશનલ પોલીસ કમિશનર ધનંજય કુલકર્ણીનો સંપર્ક કર્યો હતો. તેમની કડક સૂચનાથી આ મામલો પાર્કસાઈટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

૭ દિવસનું ઓપરેશન અને ઑડિયો-વિડિઓ પુરાવા
સિનિયર પોલીસ અધિકારીઓ અને ડિટેક્શન સ્ટાફના માર્ગદર્શન હેઠળ હિતેશ ગાલાએ સતત ૭ દિવસ સુધી આરોપીઓ સાથેની વાતચીતના ઑડિયો અને વિડિઓ રેકૉર્ડિંગ પુરાવા તરીકે એકત્રિત કર્યા હતા. આ દરમિયાન આરોપીઓ વેપારી પર માનસિક દબાણ વધારી રહ્યા હતા.
આરોપીઓની લોકેશન બદલવાની યુક્તિ નિષ્ફળ
આરોપીઓએ વેપારીને પૈસા આપવા માટે પહેલાં મુલુંડના જોન્સન એન્ડ જોન્સન ગાર્ડન પાસે બોલાવ્યો હતો, પરંતુ બાદમાં છેલ્લી ઘડીએ લોકેશન બદલીને સામે ફાયરબ્રિગેડ પરિસર અને પછી શિવરામ સોસાયટી નજીક બોલાવ્યો હતો. પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ૨૦ લોકોના સ્ટાફે અગાઉથી જ આસપાસના વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં ટ્રેપ ગોઠવી હતી. જેવી શિવરામ સોસાયટી બસ-સ્ટોપ પાસે નંદિની જયસવાલ અને આકાશ યાદવે વેપારી પાસેથી રૂપિયાની બેગ સ્વીકારી, તે જ ક્ષણે છુપાઈને બેઠેલા પોલીસ અધિકારીઓએ દરોડો પાડીને નંદિની જયસવાલ, આકાશ યાદવ, આકાશ ધિવર અને અન્ય એક એમ કુલ ૪ આરોપીઓને રંગેહાથ પકડી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી કાયદેસરની ધરપકડ કરી છે અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની વધુ તપાસ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


