
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) હેક કર્યાનો દાવો કરનારા સૈયદ શુજા વિરુદ્ધ ચૂંટણી પંચે ફરિયાદ નોંધાવી છે, જેને આધારે 30 નવેમ્બરે દક્ષિણ મુંબઈ સાઈબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઈટી કાયદાની સુસંગત જોગવાઈ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 14 નવેમ્બરે શુજાનો એક વિડિયો વાઈરલ થયો હતો. તેમાં તેણે મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વાપરવામાં આવનારાં ઈવીએમ હેક કરી શકું છું એવો દાવો કર્યો હતો. જો મને રૂ. 53 કરોડ આપવામાં આવે તો 63 ઠેકાણે ઈવીએમ હેક કરી આપીશ, એવી ઓફર પણ તેમણે નેતાઓને આપી હતી.નોંધનીય છે કે શુજા મૂળ હૈદરાબાદનો ટેક એન્જિનિયર છે અને હાલમાં તે કેનેડામાં હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) દ્વારા શુજાનો દાવો પાયાવિહોણો અને આધાર વિનાનો હોવાનું વિવરણ કરીને ફરિયાદ નોંધાવી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી દરમિયાન શુજાએ અમુક નેતાઓને કોલ કરીને આ ઓફર કરી હતી. અમેરિકાના સંરક્ષણ વિભાગની ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે ઈવીએમ હેક કરી શકે છે. આ માટે પૈસા લેશે. પોતે અમેરિકાના સંરક્ષણ ખાતામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હોવાનો દાવો શુજાએ કર્યો હતો.
21 જાન્યુઆરી, 2019માં લંડનમાં ઈન્ડિયન જર્નલિસ્ટ એસોસિયેશનની પત્રકાર પરિષદમાં પણ તેણે આવો જ દાવો કર્યો હતો. 2009થી 2014 સુધી ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમા કામ કર્યું હોવાનું તેણે જણાવ્યું હતું. 2014ની લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ કરાયેલા ઈવીએમ યંત્રો બનાવનારી ટીમનો પોતે હિસ્સો હતો. એક વિશિષ્ટ ફ્રિક્વન્સીનો ઉપયોગ કરીને આ યંત્રોમાં ચેડાં કરી શકાય છે, એમ તેણે કહ્યું હતું.

2014ની લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ હેક કરાયાં હતાં અને તેની પર જ ભાજપ જીત્યો હતો એવો દાવો તેણે કર્યો હતો. કોંગ્રેસના માજી નેતા કપિલ સિબ્બલે આ દાવાને મુદ્દો બનાવીન ઈવીએમની વિશ્વસનીયતા સામે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.
રાહુલ ગાંધીએ પણ ચિંતા વ્યક્ત કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મસ્કની પોસ્ટ પર રિપોસ્ટ કરીને ભારતમાં ઈવીએમ બ્લેક બોક્સ જેવું છે. તેની તપાસ કરવાની કોઈને પરવાનગી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. સંસ્થાઓમાં ઉત્તરદાયિત્વનો અભાવ હોય ત્યારે લોકશાહી ઢોંગ બને છે અને ઠગાઈ થવાની શક્યતા વધે છે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રકરણ કોર્ટ સુધી પહોંચ્યું
એપ્રિલમાં ઈવીએમ મતો અને વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ સ્લિપ્સની 100 ટકા ક્રોસ- ચેકિંગની માગણી બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ માગણી સાથે સંબંધિત અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવવામાં આવી. ઉપરાંત અનેક રાજકીય પક્ષો સાથે સંબંધિત લોકો ઈવીએમ સામે પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટે અનેક વાર ઈવીએમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
2019માં દિલ્હીમાં એફઆઈઆર દાખલ
2019માં ચૂંટણીપંચે શુજા વિરુદ્ધ આવો જ દાવો કરવા માટે દિલ્હીમાં પણ એફઆઈઆર દાખલ કરી હતી. ઈવીએમ સંપૂર્ણ સુરક્ષિત છે અને વાયફાય અથવા બ્લુટૂથ સાથે કોઈ પણ નેટવર્ક સાથે કનેક્ટ નહીં કરી શકાય, એમ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું. દરમિયાન દુનિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ એલોન મસ્કે 15 જૂને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું- ઈવીએમ રદ કરવા જોઈએ. આ માનવી અથવા એઆઈ દ્વારા હેક થવાનું જોખમ છે. તે ઓછું હોય તો પણ બહુ વધુ છે. અમેરિકામાં તે થકી મતદાન નહીં થવું જોઈએ.

માજી મંત્રીઓ કહે છે આ ખોટું છે
માજી આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે મસ્કની વાત થોટી છે. યુએસ અને અન્યત્ર ઈન્ટરનેટ- કનેક્ટેડ મતદાન યંત્રો તૈયાર કરવા નિયમિત કમ્પ્યુટર પ્લેટફોર્મનો ઉપયોગ કરાય છે ત્યાં તેમનો મત લાગુ થઈ શકે છે. ભારતીય ઈવીએમ સુરક્ષિત છે અને કોઈ પણ નેટવર્ક અથવા મિડિયા કરતાં અલગ છે. તેને કોઈ પણ કનેક્ટિવિટી, બ્યુટૂથ, વાયફાય, ઈન્ટરનેટ નથી. આથી તે હેક કરવાનો કોઈ માર્ગ નથી. ફેક્ટરી પ્રોગ્રામ કરેલું નિયંત્રક હોય છે, જે ફરી પ્રોગ્રામ કરી નહીં શકાય. ઈવીએમની રચના ભારતમાં તે જ રીતે કરાય છે. આથી તે હેક નહીં કરી શકાય.
