મુલુન્ડની એક મ્યુનિસિપલ સ્કૂલમાં ૨૦૧૦માં બનેલી શિક્ષક પર હુમલા અને શાળાની ઓફિસમાં તોડફોડની ગંભીર ઘટનામાં મુંબઈની અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજ જયસિંગાનીએ અવિભાજિત શિવસેનાની વિદ્યાર્થી પાંખ ‘ભારતીય વિદ્યાર્થી સેના’ સાથે જોડાયેલા ૧૨ કાર્યકર્તાઓને દોષિત ઠેરવીને ૬ મહિનાની સખત કેદની સજા ફટકારી છે.
૨૦૧૦ની ઘટના: શિક્ષક પર કાળી શાહી ફેંકી લાકડી વડે હુમલો કર્યો
કેસની વિગતો મુજબ, આ ઘટના ૨૦ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ મુલુન્ડ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશન સેકન્ડરી સ્કૂલમાં બની હતી. આરોપીઓએ શાળાના ઇન્ચાર્જ હેડમાસ્તરની કેબિનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ત્યાં તેમણે શિક્ષક પ્રકાશબાપુ સાળગર પર ધોરણ ૯ના એક વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ મૂકીને ગાળાગાળી કરી હતી.

ઉશ્કેરાયેલા કાર્યકરોએ શિક્ષક પ્રકાશબાપુના જમણા હાથ પર લાકડી વડે ઘા કર્યા હતા અને તેમના ચહેરા તથા શરીર પર કાળી શાહી ફેંકી હતી. આ દરમિયાન જ્યારે હેડમાસ્તરે વચમાં પડીને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેમને પણ ધક્કો મારીને બાજુ પર ધકેલી દીધા હતા. ત્યારબાદ આ ટોળાએ હેડમાસ્તરની કેબિનમાં તોડફોડ મચાવીને બારીઓના કાચ અને ફર્નિચરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
કોર્ટનું સખત વલણ: શિક્ષક પર શાહી ફેંકવાનું કૃત્ય અક્ષમ્ય
આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ગુનાની ગંભીરતા નોંધતાં કડક શબ્દોમાં કહ્યું હતું કે, શિક્ષકના ચહેરા પર કાળી શાહી છાંટવા અને તેમની સાથે ગેરવર્તણૂક કરવાના કૃત્યને કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય નહીં. આવા ગંભીર ગુનાઓ પ્રત્યે જો હળવું વલણ અપનાવવામાં આવશે તો સમાજમાં ખોટો સંદેશ જશે.
કોર્ટે તમામ ૧૨ દોષિતોને ૬ મહિનાની જેલની સખત કેદની સજા ઉપરાંત રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



