દીક્ષા પત્રિકા આલેખન અને સ્વસ્તિક વિધિ સાથે સંયમના પંથે ત્રણ મુમુક્ષુઓએ ભર્યા પ્રથમ મંગલ પગલાં
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં દશેરાના શુભદિને સંસારથી સંયમ તરફ, મોહથી મુક્તિ તરફ અને આત્માથી પરમાત્મા તરફ પ્રયાણ કરવાની પવિત્ર ભાવનાને સાકાર કરતા ત્રણ મુમુક્ષુઓના જૈન દીક્ષા મહોત્સવનો મંગલ પ્રારંભ દીક્ષા પત્રિકા આલેખન અને સ્વસ્તિક વિધિ સાથે થયો.

આ પવિત્ર પ્રસંગે મુમુક્ષુ શ્રી યશવીબેન મહેતા (૨૩ વર્ષ), મુમુક્ષુ શ્રી જાનવીબેન શાહ (૨૧ વર્ષ) અને મુમુક્ષુ શ્રી તન્મયાબેન રાજપૂત (૨૬) એ સંયમજીવન પ્રત્યેની પોતાની સમર્પણભાવના વ્યક્ત કરીને 24 તીર્થંકરો, અંતરીક્ષમાં બિરાજમાન ગુરુ ભગવંતો, સાધુ-સાધ્વીજી ભગવંતો અને વિશેષ રૂપે પરમ ગુરુદેવને ભાવપૂર્વક આમંત્રણ આપ્યું અને પરમ શિષ્યત્વ પ્રાપ્ત કરવા માટેના આશીર્વાદ માંગ્યા. ત્રણેય મુમુક્ષુઓની માતાઓએ મહાસતીજીને અંતઃકરણપૂર્વક આમંત્રણ આપ્યું.


પરમ ગુરુદેવે ત્રણેય મુમુક્ષુઓના પરિવારો અને સમગ્ર સંઘ માટે આ પ્રસંગને માત્ર આમંત્રણવિધિ તરીકે નહીં, પરંતુ ત્યાગ, તપ, વિનય અને આત્મકલ્યાણની મહાન યાત્રા પ્રત્યેની ભાવભીની અનુમોદનાનો મંગળકારી અવસર ગણાવ્યો. તેમણે ત્રણેય મુમુક્ષુઓને માતા-પિતાના આશીર્વાદ લઈને પૂર્ણ ભાવ સાથે સંયમના માર્ગે આગળ વધવા પ્રેર્યા. સાથે જ જીવનમાં સૌની પ્રત્યે ઉત્કૃષ્ટ સદ્ભાવ રાખવા અને વડીલોનો વિનય જાળવવા જેવા જીવનોપયોગી બોધ આપ્યા. “વિનય વિઘ્ન વિનાશક છે” એવો સંદેશ આપતાં તેમણે સમજાવ્યું કે વંદન, પ્રણામ અને વિનયથી શરૂ થયેલું કાર્ય મંગલમય બને છે.

મહાસતીજી દ્વારા ત્રણેય મુમુક્ષુઓને સંયમી જીવનના નિયમો અને જિનશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક સમર્પણપત્ર અર્પણ કરવામાં આવ્યું. તેના નિયમોને સરળતાથી સમજાવી સંયમજીવન માટેના સંકલ્પને દૃઢ બનાવવામાં આવ્યો. આ અંગે ગુરુદેવે ભાવપૂર્ણ રીતે જણાવ્યું કે આ સમર્પણપત્ર અને પ્રભુએ સાધુ જીવન માટે દર્શાવેલી 10 સમાચારીના નિયમો સાંસારિક જીવનમાં પણ અપનાવવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ મળી શકે.


આ અવસરે પરમ ગુરુદેવે ગોંડલગચ્છ શિરોમણિ પૂજ્ય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબના ૧૦૪મા જન્મદિવસનો ઉલ્લેખ કરતાં તેમના ચિરંજીવી પ્રભાવને ભાવપૂર્વક યાદ કર્યો. તેમણે કહ્યું કે મહાપુરુષો દેહથી વિદાય લીધા પછી પણ હજારો વર્ષો સુધી લોકોનાં હૃદયમાં પૂજાતા રહે છે. આ અવસરની પરિકલ્પનામાં સમગ્ર ચાતુર્માસના લાભાર્થી શ્રી માનસીબેન શાહ તથા અન્ય ભાવિકોની ગુરુદેવે અનુમોદના કરી.

પરમ ગુરુદેવના આશિર્વચનો સાથે આત્મકલ્યાણ અને જનકલ્યાણ અર્થે સંયમના પંથે આગળ વધવા તૈયાર ત્રણેય આત્માઓના જૈન દીક્ષા મહોત્સવની આ મંગલ શરૂઆત આધ્યાત્મિક આનંદ અને ધન્યતાનો અવિસ્મરણીય અનુભવ બની રહી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



