મુલુન્ડ (વેસ્ટ) વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અશોકનગર ખાતે આવેલા એક બાર અને ફેમિલી રેસ્ટોરન્ટમાં ઘૂસીને બે ભાઈઓએ બિયરના પૈસા ન ચૂકવીને ઊલટાનું દર મહિને હપ્તા પેટે ખંડણીની માંગણી કરી હતી. એટલું જ નહીં, છરો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી વેઈટર સાથે મારપીટ કરવા બદલ ‘ગોવિંદ’ અને ‘રાજુ’ નામના બે સગા ભાઈઓ વિરુદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શું બની હતી ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર ગોવિંદ નામનો શખ્સ અશોકનગર સ્થિત બારમાં આવ્યો હતો. તેણે બારમાં બે બિયરની બોટલની માંગણી કરી. જ્યારે બારના માલિક શેટ્ટીએ તેની પાસે બિયરના પૈસા માંગ્યા, ત્યારે ગોવિંદ ઉશ્કેરાઈ ગયો હતો.

તેણે પોતાની પાસે રહેલો છરો (ચાકુ) બતાવીને ધમકી આપી હતી કે, જો આ વિસ્તારમાં ધંધો કરવો હોય તો દર મહિને ૨ હજાર રૂપિયા ખંડણી આપવી પડશે. આ ભયાનક ધમકીથી ડરી ગયેલા બાર માલિકે તેને મજબૂરીવશ બે બિયરની બોટલો મફતમાં આપી દીધી હતી. જતાં જતાં ગોવિંદે એમ પણ કહ્યું હતું કે, “હું બે કલાક પછી પાછો આવીશ, પૈસા તૈયાર રાખજે નહિતર તને જીવતો નહીં છોડું.”
ભાઈ સાથે પરત ફરીને મચાવ્યો હોબાળો
કહ્યા મુજબ બપોરે બે વાગ્યે ગોવિંદ ફરીથી બારમાં આવી પહોંચ્યો અને રૂા. ૨ હજારની માંગણી કરવા લાગ્યો. આ દરમિયાન બારના વેઈટરે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દેતાં ગોવિંદે ઉશ્કેરાઈને બારનો નાશ કરવાની અને માલિકને મોતને ઘાટ ઉતારવાની ધમકીઓ આપી હતી.
આ હોબાળા દરમિયાન ગોવિંદનો ભાઈ રાજુ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. બંને ભાઈઓએ મળીને બારના વેઈટર સાથે નિર્દયતાથી મારપીટ કરી હતી અને તેના ચશ્મા તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, જો આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે તો પરિણામ ખરાબ આવશે તેવી ગર્ભિત ધમકી પણ આપી હતી.

આસપાસના વેપારીઓમાં ફફડાટ
દિનદહાડે બનેલી આ હિંસક અને ખંડણીખોરીની ઘટનાને પગલે ડરી ગયેલા આસપાસના કેટલાક દુકાનદારોએ પોતાના વેપારી પ્રતિષ્ઠાનો અને દુકાનો તાત્કાલિક બંધ કરી દીધી હતી. આ મામલે બારમાલિક શેટ્ટીની ફરિયાદના આધારે મુલુન્ડ પોલીસે બંને આરોપી ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



