મુંબઈના મુલુન્ડ વિસ્તારમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે. મુલુન્ડ (ઈસ્ટ) ખાતે એલ.ટી. રોડ પર આવેલી મારુતિ દર્શન સોસાયટીમાં રહેતી ૪૩ વર્ષીય શિલ્પા રાયબોલે નામના મહિલા સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. સાયબર ગઠિયાઓએ તેમનો મોબાઈલ ફોન હેક કરીને તેમની ફિક્સ્ડ ડિપોઝીટ (FD) બળજબરીથી તોડી નાખી હતી અને કુલ રૂ. ૫.૪૫ લાખની મસમોટી રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
એટીએમમાં ખોટો પિન બતાવતા ભાંડો ફૂટ્યો
ઘટનાની વિગત મુજબ, ગત ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ શિલ્પા રાયબોલે એટીએમ (ATM)માંથી પૈસા ઉપાડવા માટે ગયા હતા. તે દરમિયાન તેમને ફોન પર બે-ત્રણ વાર એવો મેસેજ પ્રાપ્ત થયો કે તેમણે એટીએમમાં ખોટો પિન નંબર દાખલ કર્યો છે. આ મેસેજ જોઈને શંકા જતા તેમણે તાત્કાલિક પોતાના મોબાઈલમાં બેંકિંગ એપ્લિકેશન ખોલીને ચેક કર્યું હતું.

એફડી તોડી ખાતામાંથી રકમ સફાચટ કરી દીધી
મોબાઈલ બેંકિંગ એપ ઓપન કરતાં જ શિલ્પાના હોશ ઉડી ગયા હતા. હેકર્સ દ્વારા તેમની રૂ. ૩ લાખની ફિક્સ્ડ ડિપોઝીટ (FD) પ્રક્રિયા કરીને તોડી નાખવામાં આવી હતી અને તે રકમ તેમના બચત ખાતામાં જમા કરવામાં આવી હતી. આટલું જ નહીં, સેવિંગ્સ એકાઉન્ટમાંથી આખી રકમ મળીને કુલ રૂ. ૫.૪૫ લાખ અન્ય કોઈ અજાણ્યા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.
બેંક મેનેજરનો સંપર્ક કરી એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું
પોતાની સાથે થયેલી આ ગંભીર ઠગાઈનો અહેસાસ થતાં જ શિલ્પા તાબડતોબ દોડીને બેંક મેનેજરને મળ્યા હતા. બેંક અધિકારીઓએ તપાસ કરીને તેમની સાથે સાયબર ફ્રોડ થયો હોવાની પુષ્ટિ કરી હતી. આ મામલે તાત્કાલિક પગલાં લેતા શિલ્પાએ તેમનું બેંક એકાઉન્ટ બ્લોક કે ફ્રીઝ કરાવી દીધું હતું અને રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર તેમજ નવઘર પોલીસ સ્ટેશનમાં જઈને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને મોબાઈલ હેક કરનાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



