સાયબર ગઠિયાઓ અવનવા કિમિયા અજમાવીને નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના મુલુન્ડ (વેસ્ટ) વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં નાહુર રોડ પર આવેલી કામટેકર ચાલમાં રહેતા સુનિતા વાણી નામની મહિલાને રૂ. ૫.૫૦ લાખની એલઆઈસી (LIC) પોલિસી પાકી ગઈ હોવાની લાલચ આપી સાયબર ઠગે રૂ. ૩.૬૦ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી છે.
મેચ્યોરિટીની લાલચ આપી વિશ્વાસમાં લીધા
ઘટનાની વિગત મુજબ, ગત ૨૯ જુલાઈના રોજ સુનિતા વાણીના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ ‘સુરેશ શર્મા’ બતાવ્યું હતું. તેણે સુનિતાજીને વિશ્વાસમાં લેતાં જણાવ્યું હતું કે તેમની એલઆઈસી પોલિસી મેચ્યોર થઈ ગઈ છે અને તેના રૂ. ૫.૫૦ લાખ મળવાના થાય છે. સાયબર ગઠિયાએ પોતાની મીઠીમીઠી વાતોથી મહિલાને સંપૂર્ણપણે જાળમાં ફસાવી દીધી હતી.

નકલી મેસેજ મોકલી ટ્રાન્સફરનું નાટક રચ્યું
ત્યારબાદ સુરેશ શર્માએ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવાના બહાને એક નવું તિકડમ ચલાવ્યું હતું. તેણે સુનિતાના ખાતામાં રૂ. ૩૦ હજાર જમા થઈ ગયા હોવાનો એક નકલી (Fake) મેસેજ તેમના મોબાઈલ પર મોકલ્યો હતો. આ સાથે જ તેણે મહિલાને કહ્યું કે ભૂલથી તેમના ખાતામાં નક્કી કર્યા કરતાં વધુ રકમ ટ્રાન્સફર થઈ ગઈ છે, તેથી વધારાના પૈસા તરત જ પરત કરવા પડશે.
અલગ-અલગ ક્યુઆર કોડ સ્કેન કરાવી લાખો રૂપિયા પડાવ્યા
ગઠિયાની વાતોમાં આવી ગયેલા મહિલાને સાચી પરિસ્થિતિનો ખ્યાલ ન રહ્યો. શર્માએ રકમ પરત મેળવવાના નામે સુનિતાજીને અલગ-અલગ ક્યુઆર (QR) કોડ સ્કેનર મોકલ્યા હતા. આ છળકપટ અને ઓનલાઈન કિમિયા દ્વારા તેણે મહિલાના બેંક ખાતામાંથી કટકે-કટકે કુલ રૂ. ૩.૬૦ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

પોતાના ખાતામાંથી મોટો અંક ઉપડી જતાં અને કોઈ રકમ જમા ન થતાં સુનિતાજીને પોતાની સાથે ભારે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક મુલુન્ડ પોલીસ સ્ટેશન પહોંચીને સાયબર ગઠિયા સુરેશ શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



