મુંબઈના મુલુન્ડ (ઈસ્ટ) વિસ્તારમાંથી પશુઓની ગેરકાયદેસર અને ક્રૂર હેરફેરનો ચોંકાવનારો મારો સામે આવ્યો છે. નવઘર પોલીસે બાતમીના આધારે મુલુન્ડના આનંદનગર ટોલ પ્લાઝા પાસે કાર્યવાહી કરીને અંદાજે ૨૦૦ થી ૨૧૦ જેટલા બકરાઓને ગેરકાયદેસર રીતે ભરીને લઈ જતી એક ટ્રકને ઝડપી પાડી છે. આ તમામ મૂંગા પશુઓને દેવનારના કતલખાને વહન કરવામાં આવી રહ્યા હતા. પોલીસે આ કેસમાં ટ્રકચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પશુદયા ફાઉન્ડેશનની બાતમીના આધારે નવઘર પોલીસની કાર્યવાહી
ઘટનાની વિગત મુજબ, ગત ૧૯ ઓક્ટોબરના રોજ નવઘર પોલીસ સ્ટેશનના પોલીસ હવાલદાર વિજય ભાલેરાવ અને તેમની ટીમ આનંદનગર ટોલ પ્લાઝા પર નાકાબંધીની નિયમિત ફરજ બજાવી રહી હતી. તે દરમિયાન પોલીસને ‘પશુદયા ફાઉન્ડેશન’ તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે થાણે તરફથી મુંબઈની હદમાં એક ટ્રક આવી રહી છે, જેમાં નિયમો વિરુદ્ધ જઈને મોટી સંખ્યામાં બકરાઓની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી છે.

આ બાતમીને ગંભીરતાથી લઈને પોલીસે ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રકને રોકીને તેની તલાશી લીધી હતી.
દયનીય હાલતમાં ગીચોગીચ ઠાંસવામાં આવ્યા હતા પશુઓ
પોલીસે જ્યારે ટ્રકની અંદર તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ટ્રકમાં કોઈ પણ જાતની પાયાની સગવડ વગર, અત્યંત દયનીય અને ઘાતકી હાલતમાં ૨૦૦ થી વધુ બકરાઓને ગીચોગીચ ઠાંસીને ભરવામાં આવ્યા હતા. પશુઓ માટે શ્વાસ લેવાની કે હલનચલન કરવાની પણ યોગ્ય જગ્યા નહોતી. વધુ તપાસ કરતા બહાર આવ્યું હતું કે ટ્રકચાલક કે અન્ય જવાબદાર વ્યક્તિ પાસે પશુઓની હેરાફેરી કરવા માટેનો કોઈ જ કાયદેસરનો પરવાનો કે પરવાનગી નહોતી.
બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
આ ગેરકાયદેસર કૃત્ય બદલ પોલીસે ટ્રકચાલક અયુબ ખાન (ઉં.વ. ૩૩) તેમજ ટ્રકમાં બકરાઓને ઘાસીને ભરાવનાર ફઈમ મોહમ્મદ આરીફ શેખ (ઉં.વ. ૩૩) વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ટ્રક અને તમામ પશુઓને પોતાના તાબામાં લઈને પશુઓની સંભાળ રાખતી સંસ્થાની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



