મુલુન્ડ વિસ્તારમાં ગણેશોત્સવના ઉત્સાહ વચ્ચે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થાણે ખાતે રહેતા ૩૨ વર્ષીય જ્યોતિ વાઘમારે ગણેશ મૂર્તિના આગમન મહોત્સવમાં સામેલ થવા આવ્યા હતા, જ્યાં ભીડનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા ચોરે તેમના બેગમાંથી રૂા. ૬૦,૦૦૦ ની કિંમતનો કીંમતી આઈફોન સેરવી લીધો હતો. આ અંગે પીડિત મહિલાએ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત ૬ સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે મુલુન્ડ (વેસ્ટ) સ્થિત ‘સરગમ મિત્ર મંડળ’ દ્વારા આયોજિત ગણેશ આગમન શોભાયાત્રામાં જ્યોતિ વાઘમારે ભાગ લેવા પહોંચ્યા હતા. સાંજે આશરે ૭:૦૦ વાગ્યાના સુમારે એમ.જી. રોડ પર આવેલી સંદીપ હોટેલ નજીક તેમણે પોતાના આઈફોન ૧૬ નો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ સુરક્ષિત રીતે તેને પોતાની પીઠ પર રહેલી બેગપેકમાં મૂકી દીધો હતો.

મોબાઈલ સ્વિચ ઓફ આવતાં ચોરીનો ખુલાસો શોભાયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈને સરગમ મંડળના પંડાલ પાસે પહોંચી ત્યારે જ્યોતિજીએ કોઈ કારણોસર બેગમાંથી મોબાઈલ કાઢવા પ્રયાસ કર્યો હતો. જોકે, બેગની ચેન ખુલ્લી હતી અને અંદરથી આઈફોન ગાયબ હતો. તેમણે તુરંત પોતાના નંબર પર કોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સામેથી મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો.
આસપાસ તપાસ કરવા છતાં ફોન ન મળતાં આખરે ભીડમાં જ કોઈ અજાણ્યા ચોરે ચાલાકીપૂર્વક મોબાઈલ ચોરી લીધો હોવાની ખાતરી થઈ હતી.
પોલીસ તપાસ શરૂ ઘટના બાદ જ્યોતિ વાઘમારેએ સીધા મુલુન્ડ પોલીસ સ્ટેશન પહોંચીને બનાવ અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધીને આગમન યાત્રાના રૂટ પર લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજ ખંગાળવાની સાથે આગળની તપાસ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
