મુલુન્ડ (વેસ્ટ) વિસ્તારમાં વાહનચોરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. બાલ રાજેશ્વર રોડ પર પાર્ક કરેલી બે હોન્ડા એક્ટિવા ચોરાઈ જવાનો એક કિસ્સો સામે આવ્યો છે. ગેરેજ માલિક અને તેમના ગ્રાહકની મળીને કુલ રૂા. ૪૫,૦૦૦ની કિંમતના બે સ્કૂટર ચોરાઈ જતાં મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
રિપેરિંગ માટે આવેલું સ્કૂટર પણ ચોરાયું
મૂળ થાણેના રહેવાસી અને મુલુન્ડ (વેસ્ટ)માં એલ.બી.એસ. માર્ગ પર આવેલા એકતા એપાર્ટમેન્ટમાં ‘સાંઈરામ ઓટો પાર્ટસ’ નામે ગેરેજ ચલાવતા મોહમ્મદ ખાને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગત મુજબ મોહમ્મદે પોતાની હોન્ડા એક્ટિવા અને તેમના એક ગ્રાહકે રિપેરિંગ કામ માટે આપેલી બીજી હોન્ડા એક્ટિવા – એમ બંને સ્કૂટર બાલ રાજેશ્વર મંદિર પાસે આવેલા ‘નમસ્કાર ઈન્ડિયા’ કાર્યાલયની સામે બી.આર. રોડ (બાલ રાજેશ્વર માર્ગ) પર પાર્ક કર્યા હતા.

ટ્રાફિક પોલીસે કારવાઈ ન કરી હોવાની ખાતરી થતાં ચોરીનો ખુલાસો
૧૪ ઓક્ટોબરના રોજ જ્યારે મોહમ્મદ પોતાના પાર્ક કરેલા વાહનો લેવા માટે પહોંચ્યા, ત્યારે બંને એક્ટિવા ત્યાંથી ગાયબ હતાં. શરૂઆતમાં તેમણે એવું વિચાર્યું કે કદાચ મુલુન્ડ ટ્રાફિક પોલીસે નો-પાર્કિંગમાંથી વાહનો ટો (Toe) કરી લીધા હશે. પરંતુ ટ્રાફિક શાખામાં પૂછપરછ કરતાં માલૂમ પડ્યું હતું કે ટ્રાફિક પોલીસે ત્યાંથી કોઈ વાહન ઉપાડ્યું નથી.
આથી બંને હોન્ડા એક્ટિવા ચોરાઈ ગયા હોવાની ખાતરી થતાં તેમણે તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસ તપાસ શરૂ
ચોરાયેલા વાહનોમાં એક સ્કૂટરની કિંમત રૂા. ૨૦,૦૦૦ અને ગ્રાહકના સ્કૂટરની કિંમત રૂા. ૨૫,૦૦૦ મળીને કુલ રૂા. ૪૫,૦૦૦ની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. મુલુન્ડ પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ચોરોની શોધખોળ હાથ ધરી છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



