મુંબઈગરાઓની જીવાદોરી સમાન સેન્ટ્રલ રેલવે પર ગઈકાલે સવારથી લઈને મોડી રાત સુધી ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. લોકલ સેવાઓ ઠપ થઈ જવાથી હજારો મુસાફરો કલાકો સુધી અટવાયા હતા અને ભારે મુશ્કેલીઓ વચ્ચે ટ્રેક પર ચાલીને નજીકના રોડ કે સ્ટેશન સુધી પહોંચવાની લાચારી વેઠવી પડી હતી. આ અરાજકતા અને ટ્રેન વ્યવહારના ધાંધિયા વચ્ચે રેલવે રૂટ પર ટ્રેક ઓળંગતી વખતે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનાઓમાં ત્રણ યુવાનોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ભાંડુપમાં પ્લેટફોર્મ બદલવાની ઉતાવળમાં ૨૧ વર્ષીય કૉલેજ વિદ્યાર્થી બન્યો AC લોકલનો ભોગ
પ્રથમ ઘટના ભાંડુપ રેલવે સ્ટેશન નજીક બની હતી. અહીં મુલુંડ કોલોનીના અમરનગર વિસ્તારમાં રહેતો અને કૉલેજમાં અભ્યાસ કરતો ૨૧ વર્ષીય યુવાન સાહિલ થિટે ગઈકાલે બપોરે ભાંડુપ સ્ટેશને પહોંચ્યો હતો. પ્લેટફોર્મ નંબર ૪ પરથી પ્લેટફોર્મ નંબર ૩ પર આવી રહેલી લોકલ ટ્રેન પકડવા માટે સાહિલે ઉતાવળમાં રેલવે ટ્રેક ક્રોસ કરવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એસી (AC) લોકલ ટ્રેન અચાનક તેની અડફેટે આવી ગઈ હતી. ટ્રેનની જોરદાર ટક્કર વાગવાથી સાહિલનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે મોડી સાંજે વધુ બે યુવાનોના જીવ ગયા
એક તરફ સેન્ટ્રલ રેલવે પર ટ્રેનો મોડી પડવાને કારણે અફરાતફરી મચી હતી, તો બીજી તરફ મોડી સાંજે ઘાટકોપર અને વિક્રોલી રેલવે સ્ટેશન વચ્ચે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અહીં રેલવે ટ્રેક ઓળંગીને જઈ રહેલા રાહુલ રાજભર અને ખરબાન રાજભર નામના બે યુવાનો અચાનક ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. ટ્રેનની અડફેટે ગંભીર રીતે ઘાયલ થયેલા આ બંને યુવાનોનું પણ ઘટનાસ્થળે જ કમનસીબ મોત થયું હતું.
સેન્ટ્રલ રેલવે પર સર્જાયેલા ટેકનિકલ ધાંધિયા અને ટ્રેન વ્યવહાર અસ્તવ્યસ્ત થવાને કારણે મુસાફરોની અધીરાઈ અને મજબૂરીએ આખરે ત્રણ યુવાનોના પરિવાર પાસેથી તેમના વ્હાલસોયા સભ્યો છીનવી લીધા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



