સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે દોસ્તી કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના કાંજુરમાર્ગ (ઈસ્ટ) વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય એક નિવૃત્ત કર્મચારી સાથે ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂ થયેલી વાતચીતમાં સાયબર ગઠિયાઓએ ₹૧૫.૨૮ લાખ ની માતબર રકમનું સેક્સટોર્શન (Sextortion Scam) આચરીને ઓનલાઈન લૂંટ ચલાવી છે.
ફેસબુકથી શરૂ થઈ જાળ અને બનાવટી વીડિયો કોલ
પોલીસ એફઆઈઆર (FIR) ની વિગતો મુજબ, કાંજુરમાર્ગ ઈસ્ટમાં પોતાના પરિવાર સાથે રહેતા ખાનગી કંપનીના નિવૃત્ત કર્મચારીને ગત ૧૦ ઓગસ્ટે ફેસબુક પર ‘કાજલ શર્મા’ નામની એક પ્રોફાઈલમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ સામેની વ્યક્તિએ પોતાનો વોટ્સએપ (WhatsApp) નંબર આપ્યો હતો અને બંને વચ્ચે વાતો શરૂ થઈ હતી.

થોડા દિવસો બાદ તે પ્રોફાઈલ પરથી વોટ્સએપ પર વીડિયો કોલ કરવામાં આવ્યો હતો, જેમાં સાયબર ગઠિયાઓએ અશ્લીલ વીડિયો ક્લિપ બતાવીને સિનિયર સિટિઝનને પણ કેમેરા સામે કપડાં ઉતારવા માટે ઉશ્કેર્યા હતા. ગઠિયાઓએ આ સમગ્ર ઘટનાનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું.
પોલીસ અને યુટ્યુબ અધિકારીના નામે ધમકીઓ
વીડિયો રેકોર્ડ થયા બાદ તુરંત જ ગઠિયાઓએ પીડિત વૃદ્ધ પાસે ₹૧૦,૦૦૦ ની માગણી કરી હતી અને જો પૈસા ન આપે તો વીડિયો તેમના ફેસબુક ફ્રેન્ડ્સને મોકલવા તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. શરૂઆતમાં ડરી ગયેલા પીડિતે તે ફેસબુક આઈડી ડિલીટ કરીને વોટ્સએપ નંબર બ્લોક કરી દીધો હતો.
જોકે, ત્યારબાદ સાયબર ગુનેગારોએ પોતાની જાળ વધુ મજબૂત કરી હતી. તેઓએ બનાવટી પોલીસ અધિકારીઓ અને યુટ્યુબ (YouTube) ના કર્મચારીઓ તરીકે ઓળખ આપીને વૃદ્ધનો સંપર્ક કર્યો હતો. “તમારો અશ્લીલ વીડિયો વાયરલ થયો છે જેના લીધે એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે અને તમને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે,” તેવી બનાવટી કેસની ભીતિ બતાવીને ગઠિયાઓએ અલગ-અલગ તબક્કે કુલ ₹૧૫.૨૮ લાખ પડાવી લીધા હતા.

સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
પોતાની નિવૃત્તિની મોટી કમાણી ગુમાવ્યા બાદ અને સતત બ્લેકમેઈલિંગ ચાલુ રહેતાં આખરે સિનિયર સિટિઝને કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનમાં સાયબર ઠગાઈ અને બ્લેકમેઈલિંગ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બેંક એકાઉન્ટ વિગતો અને આઈપી એડ્રેસના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સુરક્ષા એજન્સીઓએ ફરી એકવાર નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણી પ્રોફાઈલની રિક્વેસ્ટ સ્વીકારવી નહીં અને આવા કોઈ બ્લેકમેઈલિંગના કિસ્સામાં પૈસા ચૂકવવાને બદલે સીધો સાયબર હેલ્પલાઈન કે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



