
આજે ઉત્તરાયણ પર કેમ પતંગ ચગાવવામાં આવે છે અને પતંગ શબ્દ ક્યાંથી આવ્યો તેમજ પતંગ સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો….
દર વર્ષે 14મી અને 15મી જાન્યુઆરીએ મકરસંક્રાતિનો તહેવાર ઉજવાય છે. મકરસંક્રાતિને ઉત્તરાયણ પણ કહેવાય છે. મકરસંક્રાંતિ આવતા જ આકાશમાં પતંગો ઉડવા લાગે છે. આખા ભારતમાં તેને લઈને ખૂબ જ ઉતસાહ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે પતંગની શરૂઆત ક્યાંથી શરૂ થઈ? અને પહેલીવાર કોણે પતંગ ચગાવી હતી. ચાલો આજે તમને પતંગ શબ્દની શરૂઆત તેમજ તેની સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો વિશે જણાવીશું…
પતંગ ઉત્તરાયણનો પર્યાય બની ગયો
આજે પતંગ ઉત્તરાયણનો પર્યાય બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં થઈ હતી. પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવવામા આવતી હતી.

સૌપ્રથમ પતંગ ક્યારે ઉડાડવામાં આવી હતી?
દર વર્ષે મકરસંક્રાતિ પર આપણા મનમાં એક સવાલ થતો હોય છે કે, દુનિયામાં સૌપ્રથમ પતંગ ક્યારે ઉડાડવામાં આવી હતી. તો એવું કહેવાય છે કે પતંગ ઉડાવવાની શરૂઆત આશરે 3000 વર્ષ પહેલા ચીનમાં થઈ હતી. ચીનમાં, સૌપ્રથમ મોજી અને લુ બાન નામના બે વ્યક્તિઓ દ્વારા પતંગ ઉડાડવામાં આવી હતી. તે સમયે પતંગનો ઉપયોગ બચાવ કામગીરી માટે સંદેશ તરીકે થતો હતો. પરંતુ બદલાતા સમય સાથે, પતંગ હવે મનોરંજનનું સાધન બની ગઈ છે.
ભારતમાં પતંગ ક્યારથી ઉડાડવામાં આવે છે?
એવું માનવામાં આવે છે કે ચીની પ્રવાસીઓ ફા હિએન અને હ્યુએન ત્સંગ ભારતમાં પતંગ લાવ્યા હતા. આ પતંગ ટીશ્યુ પેપર અને વાંસની ફ્રેમથી બનેલી હતી. જો કે ધાર્મિક માન્યતાઓ અનુસાર, મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવાની પરંપરા ભગવાન રામ સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પતંગ ઉડાડવાની પરંપરા ભગવાન રામ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ભગવાન રામની પતંગ ઉડીને ઇન્દ્રલોક સુધી પહોંચી ગઈ હતી. તે સમયથી, મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
પતંગ શબ્દ ક્યાંથી આવ્યો
વિશ્વનાં સૌથી પ્રાચિન ગ્રંથ ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે. આ સિવાય હડપ્પા અને મોહે-જો-દરોની સિંધુ સંસ્કૃતિના મળી આવેલા અવશેષોમાં અમુક ચિત્રલિપીમાં પતંગની પ્રતિકૃતિ જોવા મળે છે. ભારતમાં પતંગ નામનો સર્વ પ્રથમ ઉલ્લેખ મંઝન નામના કવિએ તેની મધુમાલતી કવિતામાં કર્યો હતો.

પતંગ જુદા-જુદા નામથી પણ ઓળખાઈ છે
પતંગને ચીલ, ધેંસિયો, બામચી, આંખેદાર, ચાંદેદાર કે લકડેદાર પણ કહેવામાં આવે છે. હવે તમને સવાલ થતો હશે કે ભારત સિવાય અન્ય દેશમાં પતંગને શું કહેવામાં આવે છે તો કેટલાક દેશમાં પતંગને ચંદ્રમાં સાથે સરખાવીને પતંગનું નામ પાડવામાં આવ્યું છે. ચીનમાં પતંગ ‘ફંગચંગ’ નામે ઓળખાય છે. તો મલેશિયા પતંગનું નામ ‘વો બુલન’ છે. જેનો અર્થ ચંદ્રમાનો પતંગ થાય છે.’ ઇન્ડોનેશિયાની ભાષામાં પતંગને ‘રારે એન્ગોન કહેવાય છે. બાલીની બાલીમિશ ભાષામાં પતંગને ‘લ્યાંગ-લ્યાંગ’ કહેવાય છે. જે ભગવાન શિવનો આભાર માનતો શબ્દ છે.’ એવી જ રીતે સ્પેનિશમાં પતંગને ‘કોમેતા’ કહે છે. જેનો અર્થ ખૂબ ઝડપથી દોડતો તારો થાય છે. ઇઝરાયેલમાં ષટ્કોણાકાર અને હીરાના આકારના પતંગો મુખ્યત્વે બનાવાય છે. જેને ‘અફિફોન’ કહેવાય છે.
પતંગ સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો
- સૌથી લાંબો સમય પતંગ ઉડાડવાનો વિક્રમ 180 કલાકનો છે.
- ન્યુયોર્કમાં એક સાથે 178 જેટલા પતંગ ચગાવવાનો વિક્રમ નોંધાયો છે.
- જાપાનમાં ઈમારતની ઉપર પતંગ બાંધવાથી અનષ્ટિ તત્વો દૂર રહેતા હોવાની
માન્યતા છે. - અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં પતંગ ચગાવવો એ સરકારી ગુનો છે.
- જાપાનમાં કપાયેલો પતંગ ફરી પાછો આપી દેવાનો રિવાજ છે.
- લંડનના વિખ્યાત બ્રિટિશ મ્યુઝિયમમાં પતંગોની વિવિધ જાતો સુરક્ષિત રખાઈ
છે. - ચીનમાં પ્રગતિ અને નસીબના ચિહ્ન તરીકે પતંગ ઉડાડવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
